મોબાઈલ ફોન પર WhatsApp મારફતે જોખમી APK (Android Package Kit) ફાઈલ મોકલીને દેશભરના હજારો લોકોના બેંક ખાતા સાફ કરી નાખનાર એક આંતરરાજ્ય સાયબર ઠગ ટોળકીનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ જિલ્લા સાયબર પોલીસે 4 રાજ્યોમાં 5 દિવસ સુધી મેગા ઓપરેશન ચલાવીને આ નેટવર્ક સાથે જોડાયેલા 22 સાયબર ઠગોની ધરપકડ કરી છે. આ ગેંગે દેશભરમાં 22,139 થી વધુ લોકોને નિશાન બનાવીને ₹20 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખાસ કરીને વૃદ્ધો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવતા હતા. ઠગો બેંક અધિકારી, વીજળી કંપની કે સરકારી યોજનાના પ્રતિનિધિ બનીને ફોન કે WhatsApp મેસેજ કરતા હતા. તેઓ બેંક KYC અપડેટ, પેન્શનનું લાઈફ સર્ટિફિકેટ, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા, વીજળી બિલ અપડેટ કે ગેસ કનેક્શનના નામે વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ પીડિતોને WhatsApp પર એક નકલી APK ફાઈલ મોકલીને ડાઉનલોડ કરાવવામાં આવતી હતી. આ એપ ઇન્સ્ટોલ થતા જ તે મોબાઈલના SMS, OTP, કોલ અને ગેલેરીની પરમિશન મેળવી લેતી હતી, જેનાથી ઠગોને પીડિતના બેંક ખાતા અને OTP નો સીધો કંટ્રોલ મળી જતો હતો.
4 રાજ્યોમાં 64 પોલીસકર્મીઓનું 5 દિવસનું મેગા ઓપરેશન
દિલ્હીની પશ્ચિમ જિલ્લા સાયબર પોલીસે 1,000 થી વધુ સાયબર ફરિયાદો અને 20 થી વધુ ઈ-એફઆઈઆર (e-FIR) નું વિશ્લેષણ કરીને આ સિન્ડિકેટના મૂળિયા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ઝારખંડ (જામતારા), બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં 7 ટીમોના 64 પોલીસકર્મીઓએ 17 જેટલા ઠેકાણાઓ પર દરોડા પાડીને 22 આરોપીઓને દબોચી લીધા હતા. દેશભરમાં નોંધાયેલી 2,080 થી વધુ સાયબર ફરિયાદોના તાર આ ગેંગ સાથે જોડાયેલા છે.
ડેવલપરથી લઈને ઠગો સુધીનું આખું નેટવર્ક ઝડપાયું
પકડાયેલા આરોપીઓમાં માત્ર ફોન કરીને છેતરપિંડી કરનારા જ નહીં, પરંતુ જોખમી APK ફાઈલ અને સાયબર ઠગી માટે ટેકનિકલ પેનલ તૈયાર કરનારા ડેવલપર્સ પણ સામેલ છે. પોલીસે 32 શંકાસ્પદ APK ફાઈલોની ફોરેન્સિક તપાસ કરી છે અને 56 થી વધુ ટેલિગ્રામ પ્રોફાઈલ ટ્રેસ કર્યા છે. આરોપીઓ પાસેથી 63 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 2 મેકબુક અને 1 ટેબલેટ જપ્ત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં સાયબર ઠગીની ફરિયાદોમાં 50% થી વધુ ઘટાડો
દિલ્હી પોલીસની આ મોટી કાર્યવાહીની સીધી અસર સાયબર ક્રાઈમના આંકડા પર જોવા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 2 થી 10 નવેમ્બર વચ્ચે APK ફાઈલ સંબંધિત 1,406 ફરિયાદો નોંધાઈ હતી, જે આ ઓપરેશન બાદ 11 થી 17 નવેમ્બર વચ્ચે ઘટીને માત્ર 724 રહી ગઈ છે-એટલે કે ફરિયાદોમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
