ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ એક 42 વર્ષીય મહિલાની ગુમાવેલી દ્રષ્ટિ પરત અપાવીને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મગજની પિટ્યુટરી ગ્રંથિમાં થયેલી મોટી ગાંઠ દ્રષ્ટિ ચેતાઓ પર દબાણ કરતી હોવાથી મહિલાએ બંને આંખોની બાજુની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તબીબોએ ખોપરી ખોલવાની જટિલ પ્રક્રિયા ટાળીને નાક વાટે એન્ડોસ્કોપી પદ્ધતિથી સતત 5 કલાક સુધી સફળ ઓપરેશન કરીને ગાંઠ દૂર કરી હતી, જેના પરિણામે મહિલાને ફરીથી સ્પષ્ટ દેખાતું થયું છે.
MRI અને CT સ્કેનમાં પિટ્યુટરી ગ્રંથિમાં 4 સેમી કદની ગાંઠ હોવાનું સામે આવ્યું
છેલ્લા બે મહિનાથી બંને આંખોમાં બાજુની દ્રષ્ટિ ઓછી થવાની ગંભીર સમસ્યાથી પીડાતા આ મહિલાએ શરૂઆતમાં આંખના નિષ્ણાત પાસે તપાસ કરાવી હતી.
આંખના તબીબને આ સમસ્યા મગજની નસો સાથે જોડાયેલી હોવાની આશંકા જતાં તેમણે તાત્કાલિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
ત્યારબાદ યુ.એન. મહેતા હોસ્પિટલના ન્યુરો વિભાગમાં દર્દીના મગજના MRI અને CT સ્કેન કરવામાં આવ્યા હતા. સ્કેન રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે દર્દીની પિટ્યુટરી ગ્રંથિમાં 2.1 સેમી x 2.3 સેમી x 4 સેમી કદની મોટી ગાંઠ થઈ છે, જે ઓપ્ટિક કાયઝમા અને મુખ્ય દ્રષ્ટિ ચેતા પર સીધું દબાણ કરી રહી હતી.
ખોપરી ખોલ્યા વિના નાક વાટે એન્ડોસ્કોપીથી 5 કલાક ચાલ્યું સંવેદનશીલ ઓપરેશન
હોર્મોન્સની જરૂરી તપાસ પૂર્ણ કર્યા બાદ દર્દીને વધુ સારવાર માટે ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં રિફર કરવામાં આવ્યા હતા. ENT વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. યોગેશ ગજ્જરે કેસની સમીક્ષા કર્યા બાદ ‘એન્ડોસ્કોપિક ટ્રાન્સનેઝલ ટ્રાન્સસ્ફેનોઇડ એપ્રોચ’ એટલે કે નાક વાટે એન્ડોસ્કોપી દ્વારા સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. આ અત્યાધુનિક પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દર્દીની ખોપરી ખોલવાની જરૂર પડતી નથી, જેના કારણે ઓપરેશન બાદના જોખમો ટાળી શકાય છે અને દર્દીને લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહેવું પડતું નથી.
PMJAY હેઠળ સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર
આશરે 5 કલાક સુધી ચાલેલા આ સંવેદનશીલ ઓપરેશન દ્વારા મગજમાંથી ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. દ્રષ્ટિ ચેતા પરથી ગાંઠનું દબાણ હટતાં જ દર્દીની ગુમાવેલી દ્રષ્ટિમાં તાત્કાલિક નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, આ સમગ્ર મોંઘી સારવાર અને જટિલ ઓપરેશન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીને સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. ડૉ. યોગેશ ગજ્જર અને ન્યુરોસર્જન ડૉ. હાર્દિક દરજીની જોડી દ્વારા આ પ્રકારની અત્યંત જટિલ ગણાતી આ ચોથી સફળ સર્જરી પાર પાડવામાં આવી છે.
