રાતોરાત કરોડપતિ બનવાના સપનામાં 1.48 લાખ ગુમાવ્યા! જૂના સિક્કા-નોટોના વેપારની લાલચ આપી ઠગાઈ

Spread the love

નવા સચિવાલયમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે કામ કરતા પેથાપુરના રહીશને જૂની નોટો – સિક્કા સામે કરોડો રૂપિયા મળશે તેવી ફેસબુક જાહેરાત પર વિશ્વાસ મૂકવો ભારે પડી ગયો છે. સાયબર ઠગોએ અલગ-અલગ બહાને કુલ 1 લાખ 41 હજાર 489 પડાવી લઈ છેતરપિંડી આચરતા સમગ્ર મામલે પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ફેસબુક જોઈ અજાણ્યા નંબર પર સંપર્ક કરવો ભારે પડ્યો

 

પેથાપુરના રામાપીર મંદિર સામે આવેલા કિર્તિરાજ ફ્લેટમાં રહેતા 61 વર્ષીય સુરેશભારથી અમ્રુતભારથી ગોસ્વામી નવા સચિવાલયના બ્લોક નંબર-4 ખાતે કાયદા વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત તા.10 નવેમ્બરના રોજ સવારે આશરે નવેક વાગ્યે તેઓ ઘરે હતા.

 

ત્યારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક જાહેરાત જોઈ હતી. જેમાં જૂના પૈસાના બદલામાં સારી રકમ આપવાની વાત લખેલી હતી. જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર તેમણે સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ હિન્દીમાં વાત કરી જૂના સિક્કા અને નોટોના ફોટા તથા લોકેશન વોટ્સએપ કરવા જણાવ્યું હતું. સુરેશભાઈએ ફોટા મોકલતા ઠગે આ જૂની નોટો અને સિક્કાના બદલામાં 96 લાખ આપવાની લાલચ આપી હતી.

 

અલગ અલગ ચાર્જના નામે પૈસા પડાવ્યા ત્યારબાદ 11 નવેમ્બરના રોજ ફરી ફોન કરીને ઠગે પૈસા મેળવવા માટે જીએસટી અને અન્ય કર ભરવા પડશે તેમ જણાવી ક્યુઆર કોડ મોકલ્યો હતો. ફોર્મ ભરવાની ફી અને અન્ય ચાર્જ પેટે શરૂઆતમાં રૂ.720 બે વાર, ત્યારબાદ 5000 અને 2000 ટ્રાન્સફર કરાવ્યા હતા, તેમજ બોક્સમાં પૈસા પેકિંગ થતા હોવાનો વોટ્સએપ વીડિયો પણ મોકલી વિશ્વાસ કેળવ્યો હતો.

 

જેના ભાગરૂપે ઠગે 14 નવેમ્બરના રોજ અન્ય નંબર પરથી ફોન કરીને જૂના પૈસાના બદલામાં 1.85 કરોડ આપવાની વાત કરી રજિસ્ટ્રેશન ફી પેટે રૂ.550 મંગાવ્યા હતા અને રજિસ્ટ્રેશન માટે તેમના પત્ની રીટાબેન ગોસ્વામીનું ઓળખપત્ર વોટ્સએપ કરાવ્યું હતું.બાદમાં 15 નવેમ્બરના રોજ સુરેશભારથીએ ટુકડે-ટુકડે તેમજ મિત્ર વર્તુળમાંથી નાણાં મેળવી ઠગના ખાતામાં કુલ રૂ .1,48,489 ભરી દીધા હતા . પરંતુ વાયદા મુજબ બ 1.85 કરોડ ન મળતા સુરેશભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *