રાજ્યના પાટનગર અને હરિયાળા શહેર તરીકે ઓળખાતા ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં હવે વન્યપ્રાણીઓની અવરજવર સતત વધી રહી છે.જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-5 વિસ્તારમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી એક ઝરખ (હાયના) ખુલ્લેઆમ આંટાફેરા મારી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં હિંસક વન્યપ્રાણીની હાજરીથી સમગ્ર સેક્ટરમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઝરખે ત્રણ નીલગાયનો શિકાર કર્યાનો સ્થાનિકોનો દાવો સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ઝરખ માત્ર આંટાફેરા જ નથી મારી રહ્યું પરંતુ તેણે શિકાર કરવાનું પણ શરૂ કર્યું છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે ઝરખ દ્વારા અત્યાર સુધીમાં વિસ્તારમાં ફરતી ત્રણ જેટલી નીલગાયનું મારણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે રહીશોમાં વધુ ગભરાટ ફેલાયો છે. કારણ કે જો ઝરખ નીલગાય જેવા મોટા પ્રાણીનો શિકાર કરી શકતું હોય તો તે માનવ વસ્તી ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
ઝરખની સતત અવરજવર અને શિકારની ઘટનાઓ અંગે સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અત્રેના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ વન વિભાગની ટીમે સેક્ટર-5 વિસ્તારની મુલાકાત લઈને પગેરું મેળવવા પ્રયાસો કર્યા હતા. જોકે વન વિભાગની કામગીરી છતાં હજુ પણ ઝરખ વિસ્તારમાં જ હોવાનો અને તેના આંટાફેરા ચાલુ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
સવાર-સાંજ વોક માટે નીકળતા લોકોમાં ફફડાટ ગાંધીનગરમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે મોર્નિંગ વોક માટે અને મોડી સાંજે બહાર નીકળતા હોય છે. સેક્ટર-5 અને આસપાસના વિસ્તારના રહીશોમાં અત્યારે એટલો ભય છે કે લોકોએ સવાર-સાંજ ઘરની બહાર નીકળવાનું ટાળવાનું શરૂ કર્યું છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે અને પાંજરા ગોઠવીને વહેલી તકે આ ઝરખને પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે .
