ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, ગુજરાત વિધાનસભાની પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી તેમજ વિધાનસભાની સતત સુધારણા દરમિયાન અપડેટ થયેલી મતદાર યાદીના આધારે ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવામાં આવશે.
ચાર તબક્કામાં મતદાર યાદી તૈયાર થશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ
17 નવેમ્બર, 2026: વોર્ડવાર મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે.
23 નવેમ્બર, 2026: નિયમ-3(ક) તથા 3(ખ) હેઠળ
વાંધા-અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે.
25 નવેમ્બર, 2026: રજૂ થયેલા વાંધા-અરજીઓની ચકાસણી અને નિયમ-3(સી)(2) હેઠળ આખરી નિર્ણય લેવામાં આવશે.
27 નવેમ્બર, 2026: વોર્ડવાર મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
વિધાનસભાની મતદાર યાદીના આધારે યાદી તૈયાર થશે રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવા માટે 1 જાન્યુઆરી, 2026, 1 એપ્રિલ, 2026, 1 જુલાઈ, 2026 અને 1 ઓક્ટોબર, 2026ની લાયકાતની તારીખોને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી વિધાનસભાની મતદાર યાદીનો આધાર લેવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાની મતદાર યાદીની સતત સુધારણા દરમિયાન અપડેટ થયેલી યાદીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચના સચિવ દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટેની મતદાર યાદી તૈયાર કરવાનો માર્ગ મોકળો થશે.
