સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ હવે થોડો સ્થિરતાનો માહોલ આવ્યો છે. જો કે, ભારતમાં જ્યારે 24 નવેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગીને 30 મિનિટ થઈ ત્યારે સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. એમાંય પાછી ‘ચાંદી’ ફરીથી 3 ટકા તૂટી ગઈ. ભાવ 42 ડોલર પ્રતિ ઔંસની નજીક આવી ગયો, જ્યારે થોડા કલાકો પહેલાં તે 44 ડોલર પ્રતિ ઔંસ પર હતો.
23 નવેમ્બરે તેજી બાદ ભાવ 41 ડોલર પ્રતિ ઔંસથી વધીને 44 ડોલર પ્રતિ ઔંસ થયા હતા. એક મહિનામાં ભાવ 69 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને અહીં સુધી આવી ગયા છે. આ જ રીતે સોનાના ભાવની સ્થિતિ છે. ભાવ 3610 થી 3690 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત, ત્રણ મોટા સમાચાર આવ્યા છે.
પહેલા સમાચાર સોના અને ચાંદીના કારોબાર સાથે જોડાયેલા છે. વાસ્તવમાં સોદો કરવા માટે જરૂરી માર્જિન વધારવામાં આવ્યું છે, જ્યારે કોઈ રોકાણકાર કોમોડિટી એક્સચેન્જ પર સોના કે ચાંદીનો વાયદા સોદો કરે છે, ત્યારે તેને આખા સોદાની રકમ અગાઉથી જમા કરાવવી પડતી નથી. જો કે, તેને એક નિર્ધારિત રકમ જમા કરાવવી પડે છે. બસ આ જ રકમને માર્જિન કહે છે. COMEX પર હવે ગોલ્ડ ફ્યુચર્સ સોદા પર માર્જિન 5%થી વધારીને 6% કરવામાં આવ્યું છે એટલે કે પહેલાં 100 રૂપિયાના સોદા માટે 5 રૂપિયા જમા કરાવવા પડતા હતા, હવે 6 રૂપિયા રાખવા પડશે. ટૂંકમાં, આ 20%નો વધારો છે.
ચાંદીના કિસ્સામાં સામાન્ય સોદાનું માર્જિન 8%થી વધારીને 9% કર્યું છે એટલે કે 100 રૂપિયાના સોદા પર હવે 8 રૂપિયાને બદલે 9 રૂપિયા રાખવા પડશે. આ 12.5%નો વધારો છે, જેને લગભગ 13% કહી શકાય. ચાંદીના માર્જિન 8% થી 9% સુધી વધારો થયો છે. વધુ રકમવાળા સોદા માટે સોનાનું માર્જિન 5.5% થી 6.6% અને ચાંદીનું માર્જિન 8.8% થી 9.9% થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, આ તમામ રકમ ડોલરમાં છે. માર્જિન વધવાનો સીધો અર્થ એ છે કે, વાયદા બજારમાં સોદો જાળવી રાખવા માટે રોકાણકારોએ વધુ પૈસા રાખવા પડશે. બીજું કે, જે લોકોએ ઉધાર અથવા ઓછી શરૂઆતી રકમના આધારે મોટો સોદો કર્યો છે, તેમણે વધારાના પૈસા જમા કરાવવા પડશે. જો તેઓ પૈસા ઊભા ન કરી શકે, તો તેમણે પોતાનો સોદો ઘટાડવો અથવા બંધ કરવો પડશે.
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જેપી મોર્ગનના ભંડારમાંથી એક દિવસમાં લગભગ 9.15 લાખ ઔંસ ચાંદી ઘટી છે. તે જ સમયગાળામાં કોમેક્સના કુલ ચાંદી ભંડારમાં લગભગ 9.90 લાખ ઔંસનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ ઝડપી ઘટાડો થયો. બજારમાં જ્યારે ચાંદીની માંગ મજબૂત હોય અને ઉપલબ્ધ મેટલ ઘટે, ત્યારે રોકાણકારો તેને સંભવિત અછતનો સંકેત માને છે. કેટલાક લોકો તેને ‘સપ્લાય ટાઈટ’ એટલે કે ઉપલબ્ધ ચાંદી ઓછી થવાની સ્થિતિ કહે છે. આવી આશંકાથી ભાવને ટેકો મળી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, કોમેક્સના રજિસ્ટર્ડ સ્ટોકમાં 3.54 લાખ ઔંસનો વધારો થયો છે. રજિસ્ટર્ડ સ્ટોક એ ચાંદી છે, જેનો ઉપયોગ ફ્યુચર્સ સોદાના પતાવટમાં થાય છે. આ વધારાથી એ લોકોને સોદો પૂરો કરવા માટે થોડી વધારાની તક મળશે, જેમણે ચાંદીના ભાવ ઘટવા પર દાવ લગાવ્યો છે.
નેટિક્સિસના કિંમતી મેટલ એક્સપર્ટ બર્નાર્ડ દહદાહ (Bernard Dahdah)એ કહ્યું છે કે, સોનું 3,500 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર આવી ગયું છે. તેમના મુજબ, વર્તમાન દબાણ જળવાઈ રહે, તો જાન્યુઆરી સુધી સોનું 3,340 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ‘સોનું’ ઓગસ્ટમાં પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદથી લગભગ 25% ઘટી ચૂક્યું છે. આટલા ઘટાડા બાદ પણ એક્સપર્ટ્સનું માનવું છે કે, બજારમાં કેટલાક નવા દબાણ ઊભા થયા છે, જે ભાવને વધુ ઘટાડી શકે છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં હવે ડિસેમ્બર અને ત્યારબાદ ફેબ્રુઆરી તથા માર્ચમાં વ્યાજ દરો વધવાની શક્યતા વધી ગઈ છે. જો તે વ્યાજ દરો વધારે છે, તો સરકારી બોન્ડ અને બેંક ડિપોઝિટ જેવા વિકલ્પોમાંથી મળતું રિટર્ન આકર્ષક બનશે. રિપોર્ટ મુજબ, મોંઘવારીનું દબાણ જળવાઈ રહેવાથી બજારને લાગે છે કે ફેડ આ વર્ષના અંતમાં અને વર્ષ 2027માં વ્યાજ દરો વધારી શકે છે. આ સિવાય, ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ડિસેમ્બરમાં 0.5 ટકાના વધારાની વાત કહી. સેન્ટ લુઈસ ફેડના અધ્યક્ષ આલ્બર્ટો મુસલેમે પણ વસંત 2027 પહેલાં અનેક વધુ વધારાની શક્યતા વ્યક્ત કરી. ઓક્ટોબરની બેઠકના મિનિટ્સમાં પણ લગભગ તમામ એમપીસી સભ્યોએ આગળ દરો વધારવાનું યોગ્ય માન્યું હતું. રિપોર્ટ મુજબ, નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી બાદ અમેરિકી ડોલર લગભગ 2% મજબૂત થયો છે. આ ચાંદી અને સોનાના ભાવમાં ઘટાડાનું એક મોટું કારણ છે. આગળ જતાં આ જ એક મોટું કારણ બની શકે છે.
આ ઉપરાંત એક વધુ મોટા સમાચાર આવ્યા છે. દુનિયાભરની સેન્ટ્રલ બેંકો તરફથી ખરીદી હવે ઘટી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સેન્ટ્રલ બેંકોની સોનાની ખરીદીએ ભાવને ટેકો આપ્યો હતો. રિપોર્ટ મુજબ, હવે આ માંગ ધીમી પડવાના સંકેત છે. પોલેન્ડની કેન્દ્રીય બેંકે 700 ટન સોનાનો ભંડાર કરી લીધો છે. તેમના ગવર્નરે તાજેતરમાં કહ્યું હતું કે, આગળ ખરીદીની શક્યતા ખુલ્લી રાખી છે પરંતુ બજારને લાગી રહ્યું છે કે ખરીદીનો મોટો હિસ્સો પૂરો થઈ ચૂક્યો છે.
કઝાકિસ્તાનની કેન્દ્રીય બેંકે પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 78%થી ઘટાડીને વર્ષના અંત સુધી 75% કરવાની યોજનાની માહિતી આપી છે. આ ફેરફારથી લગભગ 52 ટન સોનું વેચાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો સોનાને મુશ્કેલ સમયનો સહારો માને છે. એવામાં જ્યારે શેરબજારમાં મોટો ઘટાડો આવે છે, ત્યારે કેટલાક રોકાણકારો રોકડ ઊભી કરવા માટે સોનું પણ વેચે છે. તેમણે અન્ય રોકાણોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી પડે છે અથવા વાયદા સોદામાં વધારાનું માર્જિન જમા કરાવવું પડે છે. રિપોર્ટ આગળ જણાવે છે કે, ફાઈનાન્શિયલ કટોકટી અને કોવિડ મહામારીના સમયનું એક મોટું ઉદાહરણ છે. તે સમયગાળામાં બજારમાં તણાવ વધતાં રોકાણકારોએ કરન્સી ઊભી કરવા માટે સોનું વેચ્યું હતું. તેમના મુજબ, AI સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં ચાલી રહેલી વેચવાલી પણ સોના પર દબાણ લાવતી રહેશે.
તેમના મોડલ દર્શાવે છે કે, કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી વર્ષ 2025ના સ્તરથી 25% ઓછી થઈ શકે છે. સોના સાથે જોડાયેલા ETFમાંથી દર મહિને 20 ટનની નિકાસી થઈ શકે છે. સોનાની લગડી ખરીદવાની માંગમાં 10% ઘટાડો થઈ શકે છે. સાથોસાથ, અમેરિકી ડોલર અને 10 વર્ષના સરકારી બોન્ડમાંથી મળતું રિટર્ન વર્તમાન સ્તરોની આસપાસ રહી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ટૂંકાગાળામાં થોડો વધુ ઘટાડો ચાલુ રહી શકે છે. અનેક ભારતીય બ્રોકરેજ અને સલાહકાર સંસ્થાઓ મુજબ, ‘સોનું’ ₹1.15-1.18 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. બીજી તરફ, અન્ય એક અંદાજમાં ₹1.21-1.24 લાખની આસપાસ સોનું ટકવા અથવા થોડા સમય માટે એક દાયરામાં રહેવાની વાત કહેવામાં આવી છે.
