બિહારની રાજધાની પટનાની નજીક બિહટા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ખાનગી શાળાના સંચાલક સામે લગ્નની લાલચ આપીને યૌન શોષણ કરવાનો આરોપ લગાવનાર 23 વર્ષીય શિક્ષિકાએ સોમવારે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષિકાએ બે દિવસ પહેલાં જ શાળા સંચાલક દેવકુમાર મહેતા (45) વિરુદ્ધ બિહટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે રવિવારે આરોપીની ધરપકડ કરી હતી અને સોમવારે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.
ત્રણ વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શોષણનો આરોપ
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 23 વર્ષીય શિક્ષિકા બિહટાના એક ગામની રહેવાસી હતી અને સ્થાનિક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. આરોપ છે કે શાળાના સંચાલક દેવકુમાર મહેતાએ દેખાડા પૂરતું મંદિર ખાતે તેની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધને ક્યારેય જાહેર કર્યો નહોતો. કોર્ટમાં લગ્ન કરવાનું વચન આપીને તે છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષિકાનું યૌન શોષણ કરતો હતો.
દરમિયાન શિક્ષિકાને જાણ થઈ કે આરોપી અગાઉથી જ પરિણીત છે. આ જાણ્યા બાદ તે માનસિક રીતે ભાંગી પડી હતી. ત્યારબાદ શનિવારે તેણે બિહટા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.
‘બદનામી બાદ હવે મારી સાથે કોઈ લગ્ન નહીં કરે’
પોલીસને આપેલી ફરિયાદમાં શિક્ષિકાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને પોતાના નાના ભાઈ સાથે રહે છે. શાળામાં શિક્ષિકા તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે દેવકુમાર મહેતાએ તેને અંધારામાં રાખીને તેનું જીવન બરબાદ કરી દીધું છે. સમાજમાં બદનામી થયા બાદ હવે તેની સાથે કોઈ લગ્ન નહીં કરે તેવી ચિંતા પણ તેણે વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, શિક્ષિકાની માતાના નિધન બાદ તેના પિતાએ બીજી વખત લગ્ન કરી લીધાં હતાં અને તેઓ બિહારની બહાર રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારથી શિક્ષિકા પોતાના નાના ભાઈ સાથે રહેતી હતી.
રવિવારે ધરપકડ, સોમવારે જેલમાં મોકલાયો આરોપી
દાનાપુર-2ના SDPO અમરેન્દ્ર કુમાર ઝાએ જણાવ્યું હતું કે શનિવારે ફરિયાદ મળ્યા બાદ પોલીસે રવિવારે જ શાળા સંચાલક દેવકુમાર મહેતાની ધરપકડ કરી હતી. રજાના કારણે સોમવારે તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન જ શિક્ષિકાએ આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
