કેદારનાથ યાત્રા હવે 36 મિનિટમાં! સોનપ્રયાગથી કેદારનાથ સુધી બનશે વિશ્વના સૌથી ઊંચા રોપવે પૈકીનો એક

Spread the love

ઉત્તરાખંડના કેદારનાથ ધામની કઠિન યાત્રા હવે સરળ બનવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) રૂ.5,000 કરોડના કેદારનાથ રોપવે (Kedarnath Ropeway) પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સોનપ્રયાગથી કેદારનાથ સુધીની મુસાફરીનો સમય ઘટીને માત્ર 27થી 36 મિનિટ થઈ જશે.લગભગ 11,500 ફૂટની ઊંચાઈ પર બનનારો આ રોપવે વિશ્વના સૌથી લાંબા અને ઊંચા રોપવે પૈકીનો એક હશે.

 

Kedarnath Ropeway: 13 કિલોમીટર લાંબો રોપવે, 36 મિનિટમાં કેદારનાથ

 

આ રોપવે સોનપ્રયાગથી કેદારનાથ (Sonprayag to Kedarnath) ધામ સુધી 13 કિલોમીટરનું હવાઈ જોડાણ પૂરું પાડશે. હાલમાં શ્રદ્ધાળુઓએ સોનપ્રયાગ અથવા ગૌરીકુંડથી કેદારનાથ પહોંચવા માટે આશરે 16 કિલોમીટરનું મુશ્કેલ ચઢાણ પાર કરવું પડે છે. પગપાળા, ખચ્ચર કે અન્ય માધ્યમથી આ મુસાફરીમાં સામાન્ય રીતે 8થી 9 કલાકનો સમય લાગે છે. જોકે, રોપવે શરૂ થયા બાદ આ સમય ઘટીને 27થી 36 મિનિટ થઈ જવાની અપેક્ષા છે.

 

રોપવેના દરેક કેબિનમાં આશરે 35 મુસાફરો બેસી શકશે. આ પ્રોજેક્ટમાં બેઝ કેમ્પથી પ્રતિ કલાક 1,800 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. જ્યારે રોજિંદા ધોરણે આશરે 18,000 શ્રદ્ધાળુઓ આ સુવિધાનો લાભ લઈ શકશે.

 

રૂ.5,000 કરોડનો પ્રોજેક્ટ, સરકારને વાર્ષિક રૂ.800 કરોડની આવકની અપેક્ષા

 

કેદારનાથ રોપવે પ્રોજેક્ટનું નિર્માણ PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) માળખા મુજબ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. કંપની 29 વર્ષ સુધી તેના સંચાલનની જવાબદારી સંભાળશે.

 

આ મોડલ હેઠળ ખાનગી રોકાણકાર પ્રોજેક્ટમાં આશરે રૂ.5,000 કરોડનું મૂડીરોકાણ કરશે. તેના બદલામાં સરકારને વાર્ષિક આશરે રૂ.800 કરોડની રોયલ્ટી મળવાની અપેક્ષા છે. આ રીતે પ્રોજેક્ટના નિર્માણ માટે સરકારને સીધું મૂડીરોકાણ કરવાની જરૂર નહીં પડે.

 

ટ્રાય-કેબલ ટેક્નોલોજીથી કેબિનને મળશે સુરક્ષા

 

આ રોપવેમાં પ્રથમ વખત ભારતમાં ‘ટ્રાય-કેબલ ડિટેચેબલ ગોંડોલા’ એટલે કે 3S ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમમાં ત્રણ અલગ-અલગ કેબલનો ઉપયોગ થાય છે. તેના કારણે ભારે પવન અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિમાં પણ કેબિનની સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં મદદ મળશે.

 

વૃદ્ધો અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે યાત્રા સરળ બનશે

 

આ રોપવે શરૂ થયા બાદ બાળકો, વૃદ્ધો અને શારીરિક અક્ષમતા ધરાવતા શ્રદ્ધાળુઓ માટે કેદારનાથની યાત્રા વધુ સરળ બનવાની અપેક્ષા છે. કઠિન ચઢાણને કારણે થતી મુશ્કેલી ઘટશે અને ખચ્ચર, પાલખી તથા હેલિકોપ્ટર પરની નિર્ભરતા પણ ઓછી થઈ શકે છે.

 

આ ઉપરાંત રોપવે પ્રોજેક્ટથી કેદારનાથ યાત્રા (Uttarakhand Char Dham Yatra) દરમિયાન સ્થાનિક પ્રવાસન અને રોજગારીને પણ વેગ મળવાની શક્યતા છે. હોટેલ, હોમસ્ટે, રેસ્ટોરન્ટ, ટેક્સી સેવા અને સ્થાનિક ગાઇડ જેવા વ્યવસાયોને તેનો લાભ મળી શકે છે. આ પ્રોજેક્ટને ભારત સરકારની ‘પર્વતમાલા’ પહેલ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *