ઉત્તર પ્રદેશના આઝમગઢના 35 વર્ષીય યુવક સૌરભ રાયને માત્ર રૂ. 5ની ખૈની અને ચૂનાની ડબ્બી સાથે રાખવી ભારે પડી હતી. બહેરીન એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ તેના સામાનમાંથી ખૈની મળી આવતાં તેની અટકાયત કરી હતી.
ત્યારબાદ તેને 18 દિવસ સુધી કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. આખરે પરિવાર દ્વારા 7,200 બહેરીની દિનાર એટલે કે આશરે રૂ. 17.8 લાખનો દંડ અને કાનૂની ખર્ચ ચૂકવ્યા બાદ 18 નવેમ્બરે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.આઝમગઢ જિલ્લાના ભવરુપુર ગામનો રહેવાસી સૌરભ સાઉદી અરેબિયાના દમ્મામમાં અલ-કાતિફ ખાતે ડ્રાઇવર તરીકે કામ કરે છે. તે 29 ઓક્ટોબરે મુંબઈથી ટૂરિસ્ટ વિઝા પર બહેરીન પહોંચ્યો હતો.
એરપોર્ટ પર તપાસ દરમિયાન તેના સામાનમાંથી ખૈની તંબાકુની પડીકી અને ચૂનાવાળું નાનું ડબ્બું મળી આવ્યું હતું. ત્યારબાદ કસ્ટમ અધિકારીઓએ તેને બહેરીન પોલીસ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિરેક્ટોરેટને સોંપ્યો હતો. તેનો સામાન અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
ત્રણ અઠવાડિયા સુધી બ્લેન્કેટ વગર અઈ રૂમમાં રાખ્યો હોવાનો દાવો
તપાસ અધિકારીઓએ સૌરભને વારંવાર પૂછ્યું હતું કે તે ખૈની અને ચૂનો શા માટે લઈ જઈ રહ્યો હતો અને શું તેનો હેતુ તેની દાણચોરી કરવાનો હતો. સૌરભના જણાવ્યા અનુસાર, તેને લગભગ ત્રણ અઠવાડિયા સુધી એરકન્ડિશન્ડ સેલમાં ધાબળા કે ગરમ કપડાં વિના રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેની તબિયત બગડી હતી. તેને દંડ ભરવા અથવા જેલની સજા ભોગવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
પરિવારે 17.8 લાખ રૂપિયા ચૂકવી મુક્ત કરાવ્યો
બહેરીન પહોંચ્યા બાદ સૌરભનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેના મોટા ભાઈ ઋષભે 12 નવેમ્બરે આઝમગઢના ડિવિઝનલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકનો સંપર્ક કરીને વિદેશ મંત્રાલય મારફતે મદદ માગી હતી.
આઝમગઢના SSP અનિલ કુમારે પણ સૌરભને શોધવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો. પરિવારે બહેરીનમાં પોતાના સંપર્કો દ્વારા વકીલની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ 18 નવેમ્બરે કોર્ટે 7,200 બહેરીની દિનારની રકમ દંડ અને કાનૂની ખર્ચ પેટે ચૂકવાયા બાદ સૌરભને મુક્ત કર્યો હતો.
હાલ ટાઇફોઇડ અને મેલેરિયાની સારવાર
મુક્તિ બાદ સૌરભ પહેલાં સાઉદી અરેબિયા ગયો હતો. ત્યારબાદ ચેન્નઈ થઈ દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી રસ્તા માર્ગે પોતાના ઘરે પરત ફર્યો હતો. હાલ તે ટાઇફોઇડ અને મેલેરિયાની સારવાર લઈ રહ્યો છે.