સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવના ભાષણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ મહોત્સવમાં દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સંબોધનમાં કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા સમાજના લોકોને એક મંચ પર આવી સંગઠિત થવાની વાત કરી હતી. જે બાદ ધારાસભ્ય હાર્દિક પટેલે સામાજિક એકતા અંગેનું ગ્રાફિક પોસ્ટ કરતાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.આ ઉપરાંત પાટીદાર સમાજને લઈને પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનને માં ઉમિયા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પટેલે સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પ્રફુલભાઈ પટેલે જે વાત કરી છે તે સાચી છે. આ મુદ્દાને માત્ર અનામતના દૃષ્ટિકોણથી જોવાને બદલે સામાજિક અને ધાર્મિક એકતાના દૃષ્ટિકોણથી સમજવાની જરૂર છે. પાટીદાર, કડવા પાટીદાર, લેવા પાટીદાર અને ચૌધરી સમાજ મૂળભૂત રીતે એક જ હોવાનું જણાવી તેમણે તમામ સમાજોને એકસાથે આવી વિકાસની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી.
“મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે”
હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવમાં અર્બુદા માતાજી, ખોડલ માતાજી અને ઉમિયા માતાજીને કેન્દ્રમાં રાખીને સમાજમાં એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યુ છે કે, ચૌધરી અને પાટીદાર સમાજને એક થવાની હાંકલ છે. મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે. ત્રણેય સગી બહેનોના સંતાનો કેમ અલગ હોય શકે? આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, કડવા અને લેઉવા પટેલનો ભેદ ભૂલો અને સાથો સાથ ચૌધરીને પણ પટેલ ગણવા અપીલ કરી હતી.
વન-ટુ-વન વાતચીતમાં મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના ઇતિહાસ અને મૂળ વિશે જાણવાની જરૂર છે. તેમના મતે પાટીદાર સમાજનો ઇતિહાસ અફઘાનિસ્તાનથી પંજાબ અને ત્યારબાદ દેશના વિવિધ વિસ્તારો સાથે જોડાયેલો છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં આ સમાજના લોકોને કુરમી તરીકે પણ ઓળખવામાં આવે છે. કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને ચૌધરી સમાજ સહિતના સમાજો મૂળભૂત રીતે એક જ હોવાનું તેમણે જણાવ્યું હતું.
અનામતનો મુદ્દો નહીં, સામાજિક એકતાનો સંદેશ
મહેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રફુલભાઈ પટેલે કરેલી વાતનો સંબંધ અનામતની માંગણી સાથે નથી. પાટીદાર સમાજે અગાઉ આંદોલન કરીને 10 ટકા અનામત મેળવ્યું હતું, પરંતુ હાલની ચર્ચા સામાજિક અને ધાર્મિક રીતે એક થવાની છે. ઓબીસી અનામતના મુદ્દાને માત્ર અનામત પૂરતો સીમિત રાખવાને બદલે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં વિચારવાની જરૂર છે. જો તમામ સમાજો એકસાથે રહેશે તો દરેકનો વિકાસ શક્ય બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સગી બહેનો એક થાય તે સારી બાબત છે. સમાજના લોકો વચ્ચેના સંબંધો મજબૂત બને અને એકબીજાની સાથે મળીને આગળ વધે તે સમયની જરૂરિયાત છે. એકતા હશે તો સામાજિક શક્તિ વધશે અને વિકાસના નવા રસ્તા ખુલશે.
સમાજે પોતાના ધાર્મિક અને ઐતિહાસિક વારસાને સમજવાની જરૂર છે.
ધાર્મિક અને ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ કરતાં મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હિમાલયપુત્રી એટલે તેમની ઉમા મા છે. માં ઉમિયાની આસ્થા સાથે શક્તિપીઠોનો સંબંધ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે માં ઉમિયાના અંગો જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ હોવાની ધાર્મિક માન્યતા છે. આથી સમાજે પોતાના ધાર્મિક અને ઐતિહાસિક વારસાને સમજવાની જરૂર છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે સામાજિક એકતા અંગેનું ગ્રાફિક પોસ્ટ કરતાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
શંકર ચૌધરીના સમર્થનને આવકાર્યું
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ પ્રફુલભાઈ પટેલની વાતને સમર્થન આપ્યું હોવાના મુદ્દે મહેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ મૂળભૂત રીતે એક જ છે. બંને સમાજ વચ્ચે એકતા અને સામાજિક સમન્વય વધે તે આવકારદાયક બાબત છે.
મુખ્યમંત્રીના ચહેરા અંગેની ચર્ચા વચ્ચે મહેન્દ્ર પટેલનો જવાબ
ગુજરાતમાં મુખ્યમંત્રી ઓબીસી સમાજમાંથી હોવા જોઈએ, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો પાટીદાર સમાજનો હોવો જોઈએ તેવી માંગણી અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ કોળી સમાજમાંથી પણ મુખ્યમંત્રી બનાવવાની માંગણી થઈ હતી. જોકે, હાલ પ્રફુલભાઈ પટેલના નિવેદનના સંદર્ભમાં ચાલી રહેલી ચર્ચા રાજકીય પદ કે અનામતની નહીં, પરંતુ આસ્થા, ધાર્મિક પરંપરા અને સામાજિક એકતાની છે. આમ, પ્રફુલભાઈ પટેલના નિવેદન બાદ પાટીદાર અને ચૌધરી સમાજની એકતાને લઈને શરૂ થયેલી ચર્ચાને માં ઉમિયા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પટેલના સમર્થનથી વધુ વેગ મળ્યો છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજના ઇતિહાસ, ધાર્મિક આસ્થા અને સામાજિક સંબંધોને આધારે એકતા મજબૂત બનાવવામાં આવે તો તમામ સમાજોના વિકાસનો માર્ગ સરળ બની શકે છે.
