અમદાવાદના આંગણે યોજાનાર પ્રખ્યાત ફ્લાવર શોની તારીખ અને ટિકિટના દરો જાહેર કરી દેવામાં આવ્યા છે. રિક્રિએશન કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં આ વર્ષે ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, મુલાકાતીઓ માટે રાહતની વાત એ છે કે આ ટિકિટમાં જ અટલ બ્રિજની મુલાકાતનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે..આગામી 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી યોજાનાર ફ્લાવર શોમાં આ વખતે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટનો દર 100 રૂપિયા અને શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં 120 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.ગત વર્ષે આ દર 80 અને 100 રૂપિયા હતા, જ્યારે અટલ બ્રિજના 50 રૂપિયા અલગથી વસૂલવામાં આવતા હતા.
આ વખતે અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે યોજાનાર આ શોમાં 8 ઝોન અને 60 જેટલા આકર્ષક ફ્લાવર સ્કલ્પચર તૈયાર કરાશે. જેમાં 90 ફૂટથી વધુ લાંબી વ્હેલ માછલી મુખ્ય આકર્ષણ રહેશે, જેને ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં સ્થાન અપાવવા પ્રયાસ કરાશે. આ ઉપરાંત દાંડીકૂચ કરતા ગાંધીજી, અમદાવાદની પોળના ગેટ, વાવ, ચબૂતરો, પંચતંત્ર અને સૂર્ય નમસ્કાર જેવા સ્કલ્પચર મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. સાથે જ 3 નર્સરી અને 28 ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા ઊભી કરાશે.
