ભારતમાં પહેલીવાર ઓલિમ્પિક્સ યોજવાનું (2036 Olympics Ahmedabad) સપનું સાકાર કરવાની દિશામાં ભારત આવતીકાલે મહત્ત્વનું પગલું ભરશે. વર્ષ 2036ની ઓલિમ્પિક્સની યજમાની મેળવવા માટે (Ahmedabad Olympics Bid) ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સમક્ષ પોતાની યોજના રજૂ કરશે. આ ઓનલાઇન રજૂઆતમાં અમદાવાદને મુખ્ય યજમાન શહેર તરીકે રજૂ કરવામાં આવશે.રમતગમતની સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાનો અનુભવ અને શહેરમાં વિકસાવવામાં આવી રહેલા માળખાને ભારત પોતાની દાવેદારીનો મુખ્ય આધાર બનાવશે. જોકે, યજમાનીની રેસમાં ભારતની સાથે અન્ય છ દેશો પણ સામેલ છે.
2036 Olympics Ahmedabad: અમદાવાદને મુખ્ય યજમાન શહેર તરીકે રજૂ કરાશે
ભારતની યોજનામાં અમદાવાદનેમુખ્ય યજમાન શહેર તરીકે આગળ ધરવામાં આવશે. અમદાવાદને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ચૂકી છે. આ ઉપરાંત વર્ષ 2029માં શહેરમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું પણ આયોજન થવાનું છે. ભારત IOC સમક્ષ આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવોના આયોજનને પોતાની ક્ષમતા દર્શાવવાની તક તરીકે રજૂ કરશે.
ભારતનો દાવો માત્ર ભવિષ્યની યોજનાઓ પર આધારિત નથી. જાન્યુઆરી 2025થી જૂન 2026 દરમિયાન દેશનાં 15થી વધુ શહેરોમાં 36 આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. જ્યારે 2027 અને 2028માં યોજાનારી 19 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની પણ ભારતને મળી છે. આ આંકડાઓના આધારે ભારત મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવના આયોજનની પોતાની ક્ષમતા રજૂ કરશે.
મનસુખ માંડવિયા, પી.ટી. ઉષા અને પી.વી. સિંધુ કરશે રજૂઆત
IOC સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ, ભારતીય ઓલિમ્પિક સંઘનાં પ્રમુખ પી.ટી. ઉષા અને ખેલાડીઓના આયોગનાં વડા તથા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ કરશે.
આ ઉપરાંત ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી રઘુરામ ઐયર પણ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. આ ટીમ IOCની ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ ભારતની યોજનાઓ અને આયોજન ક્ષમતાઓ રજૂ કરશે.
ભારત સામે જર્મની સહિત 6 દેશોની ટક્કર
2036ની ઓલિમ્પિક્સની યજમાની મેળવવાની સ્પર્ધામાં ભારત ઉપરાંત જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કિયેનો સમાવેશ થાય છે. એટલે કુલ સાત દેશો યજમાની મેળવવામાં રસ ધરાવે છે.
IOC દ્વારા યજમાનની પસંદગી માત્ર સ્ટેડિયમ કે રમતગમતનાં મેદાનોના આધારે કરવામાં આવશે નહીં. તેમાં યજમાન શહેરની સુવિધાઓ, ખેલાડીઓને મળનારો અનુભવ, આયોજન માટેનું ભંડોળ, સરકાર અને સામાન્ય લોકોનું સમર્થન, સ્પર્ધાઓ યોજવાની ક્ષમતા તેમજ ઓલિમ્પિક્સ બાદ સ્થાનિક લોકોને મળનારા લાંબા ગાળાના ફાયદાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
2029માં થશે યજમાન દેશ અંગે અંતિમ નિર્ણય
ભારતની આવતીકાલની રજૂઆત બાદ પણ યજમાન દેશની પસંદગી માટે અનેક તબક્કા બાકી છે. IOC ડિસેમ્બર 2026ના ત્રીજા સપ્તાહમાં લોકોનો અભિપ્રાય જાણવા સર્વે કરાવવાની યોજના ધરાવે છે. ત્યારબાદ માર્ચ 2027માં પસંદગી પ્રક્રિયાનો આગળનો તબક્કો શરૂ થશે.
ડિસેમ્બર 2028માં પસંદગી પામેલા યજમાન દેશો સાથે વધુ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ 2029ના મધ્યમાં IOCના સભ્યો 2036ની ઓલિમ્પિક્સના યજમાન દેશ અંગે અંતિમ નિર્ણય લેશે.
આમ, ભારતની આવતીકાલની રજૂઆત ઓલિમ્પિક્સની યજમાની મેળવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. જોકે, 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજાશે કે નહીં તેનો અંતિમ નિર્ણય 2029માં જ થશે. હવે ભારત પોતાની યોજનાઓ અને સુવિધાઓ દ્વારા IOCને કેટલું પ્રભાવિત કરી શકે છે તેના પર સૌની નજર રહેશે.
