લગ્નની સિઝન પહેલા દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરવા માંગતા લોકો ખુશ છે. જોકે બીજી તરફ સોના અને ચાંદીમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને પગલે સોનું ગીરવે મૂકીને લોન લેનારા ગ્રાહકો પરેશાન છે. આવા ગ્રાહકો માથે એક નવી જ આફત આવી પડી છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં સોના પર ધીરાણ મેળવનારા ગ્રાહકોને બેંકો તરફથી માર્જિન રકમ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.ત્રણેય રાજ્યમાંથી અસંખ્ય લોકોએ દાવો કર્યો છે કે તેમને બેંકો તરફથી એસએમએસ અને કોલ કરીને માર્જિન મની જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. અમુક કિસ્સામાં ગ્રાહકોએ પૈસાની ખૂબ જરૂરિયાત હોવાથી તેમની પાસે રહેલું તમામ સોનું ગીરવે મૂકી લોન લીધી હતી, તેવા લોકો માટે માર્જિન મની જમા કરાવવાનું કામ મુશ્કેલ બની ગયું છે.
સંકટનું સાથી સોનું જ સંકટ બન્યું!
સોનાને સંકટ સમયનું સાથી ગણવામાં આવે છે, પરંતુ આજકાલ આ જ સોનું ગોલ્ડ લોન લેનારા લોકો માટે સંકટ બન્યું છે. કારણ કે પહેલા જે બેંકો ગોલ્ડ લોન આપવા માટે ફોન કરતી હતી, તે હવે માર્જિન મની જમા કરવા માટે ફોન કરી રહી છે. લોકો બેંકમાં સોનું મૂકીને રૂપિયા મેળવતા હતા પરંતુ આજકાલ પરિસ્થિતિ એવી થઈ છે કે ગામમાંથી પૈસા મેળવી લોકોએ લોન માર્જિનની રકમ ચૂકવવી પડી શકે છે. સતત ઘટતા સોનાના ભાવે ગોલ્ડન આપતી બેંકો અને ગ્રાહકો બંનેની મુશ્કેલી વધારી છે.
આવું શા માટે થયું?
હકીકતમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો થવાને કારણે લોન ટૂ વેલ્યૂ (LTV) રેશિયોને અસર પડી છે. સામાન્ય રીતે બેંકો 80:20ના રેશિયોમાં ગોલ્ડ લોન આપે છે. એટલે કે તમે બેંકમાં જેટલી કિંમતનું સોનું જમા કરો તેની સામે બેંક તમને 85થી લઈને 85 ટકા સુધી લોન આપે છે. સોનાના ભાવમાં સતત ઘટાડાને પગલે આ રેશિયોમાં ઘટાડો થયો છે. સરળ શબ્દોમાં કહીએ તો લોનની કિંમતની સરખામણીમાં બેંકમાં જમા સોનાની કિંમત ઓછી થઈ ગઈ છે. આ જ કારણે આરબીઆઈના નિયમ પ્રમાણે સોના સામે લોન આપતી બેંકો ગ્રાહકો પર તાત્કાલિક માર્જિન મની જમા કરાવવા દબાણ કરી રહી છે.
સોનાની ઐતિહાસિક કિંમત
ભારતમાં જાન્યુઆરી, 2026માં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,80,779 પર પહોંચી ગયું હતું. જે બાદ તેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આજે એટલે કે 27 નવેમ્બર, 2026ના રોજ ડિસેમ્બર વાયદાનું સોનું 1,25,843 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે સોનાની કિંમતમાં જાન્યુઆરી બાદ 30 ટકાથી વધારે ઘટાડો આવ્યો છે.
ગ્રાહકોએ શું કરવું પડશે?
જે લોકોએ ગોલ્ડ લોન લીધી છે તેમણે હવે લોન ટૂ વેલ્યૂ રેશિયો પ્રમાણે માર્જિન રકમ જમા કરાવવી પડશે. બેંકો તરફથી ગ્રાહકોને બે વિકલ્પ આપવામાં આવે છે. તેઓ ઘટેલા માર્જિન જેટલી રકમ રોકડમાં જમા કરાવી શકે છે અથવા એટલી કિંમતનું સોનું જમા કરાવી શકે છે. ગ્રાહકો જો આવું કરવામાં નિષ્ફળ રહેશે તો બેંકો તેમની સામે રિકવરી કાઢીને નિયમ પ્રમાણે કાર્યવાહી કરી શકે છે. એટલે કે જે ગ્રાહકોને માર્જિન મની જમા કરવા માટે કોલ અથવા એસએમએસ મળ્યો હોય તેમણે તાત્કાલિક પોતાની બેંકની મુલાકાત લેવી જોઈએ.
કેસ-1: 43,000 રૂપિયા જમા કરવા બેંકનો આદેશ!
હૈદરાબાદના મલ્લાપુરના રહેવાસી સ્વર્ણલતાએ 31 ઓગસ્ટ, 2026ના રોજ 55 ગ્રામ સોનાના ઘરેણા ગીરવે મૂકીને પાંચ લાખ રૂપિયાની લોન લીધી હતી. તાજેતરમાં સોનાની કિંમતમાં આવેલા ઘટાડાને પગલે ગીરવે મૂકેલા સોનાની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે સ્વર્ણલતાને બેંક તરફથી 43,000 રૂપિયા તાત્કાલિક જમા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.મહેબૂબનગર ખાતે આવેલા મુથૂટ ફિનાન્સના મેનેજરે જણાવ્યું કે, ત્રણ મહિના પહેલા તેઓ 10 ગ્રામ સોના સામે 1.15 લાખ રૂપિયા લોન આપતા હતા. હાલ તેઓ એટલા જ સોના માટે 85,000 રૂપિયા લોન આપે છે. તેમના કહેવા પ્રમાણે જે લોન એકાઉન્ટમાં લોન ટુ વેલ્યૂનું પ્રમાણે ઘટ્યું છે, તેમને મેસેજ તાત્કાલિક રકમ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેસ-2: પૈસા ન હતા એટલે ગોલ્ડ લોન લીધી, હવે માર્જિન રકમ જમા કરવા આદેશ!
ગુજરાતના રાજકોટ શહેરમાં રહેતા અજય દવે નામના વ્યક્તિએ સોનું ગીરવે મૂકીને 50,000 રૂપિયાની લોન લીધી હતી. હવે બેંક તરફથી ફોન કરીને તેમને માર્જિન મની જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. અજય દવે માટે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, પૈસાની જરૂર હોવાથી તેમણે સોનું ગીરવે મૂકીને લોન લીધી હતી. હવે એ જ લોન માટે તેમણે માર્જિન મની જમા કરાવવી પડશે.
બેંકના સીઈઓએ સમજાવ્યું માર્જિન મનીનું ગણિત
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન બેંક એસોસિએશનના સીઈઓ પરસોતમ પીપડીયાએ જણઆવ્યું કે, “સોનાના ભાવ જ્યારે ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઊંચા ભાવના આધારે ગોલ્ડ લોન મેળવી હતી. તે સમયે કેટલીક બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા 80:20ના માર્જિનના આધારે લોન આપવામાં આવતી હતી. એટલે કે ₹1 લાખની બજાર કિંમતના સોના સામે ગ્રાહકને ₹80,000 સુધીની લોન મળતી હતી, એટલે કે બેંકો પાસે સિક્યોરિટી તરીકે ₹20,000નું માર્જિન રહેતું હતું. હવે સોનાના ભાવમાં આશરે 29%નો ઘટાડો થતાં આ ગણિત બદલાઈ ગયું છે. ધારો કે કોઈ બેંક કોઈ વ્યક્તિને 1,00,000 રૂપિયાની બજાર કિંમતના સોના સામે 80:20 રેશિયો પ્રમાણે ₹80,000 રૂપિયાની લોન આપે છે. હવે માની લો કે સોનાની કિંમતમાં 30 ટકાનો ઘટાડો થયો છે. આવા કેસમાં બેંક પાસે ગીરવે પડેલી સોનાની કિંમત 70,000 રૂપિયા થઈ જાય છે. તેની સામે ગ્રાહકને આપેલી લોન 80,000 રૂપિયા છે. આ કેસમાં લોન ટુ વેલ્યૂ રેશિયો વધી જાય છે. આ જ કારણે બેંક હવે તે ગ્રાહકને 10 હજાર રૂપિયા જમા કરવાનો આદેશ કરશે.”
શું હોય છે LTV?
રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્રશાંત રૂપારેલીયાએ સમજાવ્યું કે, “સોનાની કિંમત સામે બેંકે આપેલી લોનની ટકાવારીને લોન ટૂ વેલ્યૂ(LTV) કહેવામાં આવે છે. ધારી લો કે તમે ₹1 લાખનું સોનું બેંકમાં ગીરવે મૂક્યું છે. જેની સામે બેંક તમને 80 હજાર રૂપિયાની લોન આપે છે. એટલે કે આ કિસ્સામાં લોન ટૂ વેલ્યૂ રેશિયો 80 ટકા થયો.” બેંક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગોલ્ડ લોન ચાલુ હોય ત્યારે પણ નિર્ધારિત LTV રેશિયો જાળવવાનો હોય છે. આરબીઆઈના નિયમ મુજબ સોનાના ભાવ ઘટે એવા કેસમાં એલટીવી જાળવવા માટે ગ્રાહકોને વધારાની રકમ જમા કરવા માટે જાણ કરવામાં આવે છે.
એલટીવી માટે આરબીઆઈનો નિયમ
એપ્રિલ, 2026થી અમલી આરબીઆઈનો નિયમ કહે છે કે, 2.5 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોનના કેસમાં લોન ટુ રેશિયો વધુમાં વધુ 85% હોઈ શકે. એટલે કે જો ગોલ્ડ લોનની રકમ 2.5 લાખ રૂપિયા સુધી હોય તો ગ્રાહકે જમા કરાવેલા સોનાની કુલ કિંમતના 85 ટકા સુધી લોન આપી શકાય. આ જ રીતે 2.5થી 5 લાખ સુધીની લોન હોય તો 80 ટકા, અને પાંચ લાખથી વધુની લોનના કેસમાં 75 ટકા સુધીની લોન આપી શકાય.
સોનાની કિંમત વધે તો શું થાય?
સોનાની કિંમતમાં વધારો થતો હોય ત્યારે લોન આપનાર બેંક નિશ્ચિત હોય છે. કારણ કે તેમની પાસે જે સોનું ગીરવે પડ્યું હોય છે તેની કિંમતમાં પણ વધારો થાય છે. એટલે કે ભાવ વધવાના કેસમાં બેંક માટે લોન વધારે સુરક્ષિત થઈ જાય છે. તેનાથી ઉલટું, સોનાની કિંમત ઘટે છે ત્યારે બેંકો લોન મેળવનારા ગ્રાહકોને માર્જિન મની અથવા વધારાનું સોનું જમા કરવા માટે કહે છે. આ જ કારણે ગ્રાહકો પણ તણાવમાં રહે છે. તેમને એવો ડર સતાવવા લાગે છે કે ક્યાંક બેંકે તેમનું ગીરવે મૂકેલું સોનું વેચીને પૈસા વસૂલ ન કરે.
