સરકારે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે દંડની જોગવાઈઓ વધુ કડક બનાવી છે. હવે કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસની સાથે હવે રસ્તા પર લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા પણ નિયમોનો ભંગ કરતા વાહનો પર નજર રાખવામાં આવે છે. કેમેરામાં વાહનની નંબર પ્લેટ કેદ થયા બાદ વાહનમાલિકના ઘરે ઓનલાઇન ઈ-મેમો મોકલવામાં આવે છે.સમગ્ર મામલો હરિયાણાના ગુરુગ્રામનો છે. અહીં સેક્ટર-33માં રહેતા દીપક સાહુ પાસે પ્લેટિના બાઇક છે. તેમની બાઇકનો રજિસ્ટ્રેશન નંબર HR98R6682 છે. જુલાઈ મહિનામાં તેમને પહેલીવાર ઓનલાઇન ટ્રાફિક મેમો મળ્યો હતો. મેમામાં હેલ્મેટ વગર બાઇક ચલાવવાના નિયમનો ભંગ કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. દીપકે આ મેમા અંગે ટ્રાફિક પોલીસને ફરિયાદ પણ કરી હતી. જોકે, ફરિયાદ બાદ પણ તેમના ઘરે મેમા આવવાનું બંધ થયું નહોતું.
નિયમોનું પાલન કરવા છતાં 16 મેમા આવ્યા
22 નવેમ્બરે ફરી એક મેમો મળતાં તેઓ ટ્રાફિક પોલીસની કચેરીએ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જુલાઈથી નવેમ્બર સુધીમાં તેમની બાઇકના નામે કુલ 16 મેમા કપાઈ ચૂક્યા હતા અને તેમને 16 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દીપકનું કહેવું હતું કે તેઓ હંમેશાં હેલ્મેટ પહેરીને જ બાઇક ચલાવે છે, તો પછી તેમના નામે વારંવાર હેલ્મેટ વગર વાહન ચલાવવાના મેમા કેવી રીતે આવી રહ્યા છે? આ સવાલને કારણે સમગ્ર મામલે શંકા વધુ ઘેરી બની હતી.
નંબર પ્લેટ પર કાળી ટેપ લગાવી 6ને બનાવી દીધો 8
દીપકની ફરિયાદને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનરે એસટીયુ ટીમને તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ મેમા પ્લેટિના બાઇકના નહીં, પરંતુ સ્પ્લેન્ડર બાઇકના હતા. સ્પ્લેન્ડર બાઇકનો અસલી રજિસ્ટ્રેશન નંબર HR98R6662 હતો. જોકે, તેના ચાલકે નંબર પ્લેટ પર કાળી ટેપ લગાવીને 6ના આંકડાને 8 જેવો બનાવી દીધો હતો. આ રીતે નંબર પ્લેટ પર HR98R6682 દેખાતો હતો, જે દીપકની પ્લેટિના બાઇકનો અસલી નંબર હતો.
પોલીસે કરામત કરનારને ઝડપી પાડ્યો
આ કારણે રસ્તા પર લાગેલા ટ્રાફિક કેમેરા બદલાયેલો નંબર વાંચતા હતા અને સ્પ્લેન્ડર બાઇક દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ભંગના મેમા દીપકના ઘરે પહોંચતા હતા. બીજી તરફ, સ્પ્લેન્ડર ચાલક આ રીતે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવીને દંડથી બચતો હતો. આ અંગેની જાણ થયા બાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર યુવકની ઓળખ ઝાડસા ગામના રહેવાસી અમિત સૈની તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અમિતે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા છતાં મેમાથી બચવા માટે નંબર પ્લેટમાં ફેરફાર કર્યો હતો. પોલીસે અમિત સૈની વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
