પૂજ્ય મહારાજશ્રીની છઠ્ઠી જન્મજયંતિ સમગ્ર વલ્લભ સંપ્રદાય માટે ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે. – શ્રી અમિતભાઈ શાહ

Spread the love

*ષષ્ઠપિઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજના ૬૦ માં જન્મદિન પર વડોદરા ખાતે આયોજિત “વિશ્વ કલ્યાણ મહોત્સવ”ને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ*

*આદરણીય મોદીજીની કેન્દ્ર સરકારે શ્રીમદ્ વલ્લભાચાર્યના જન્મસ્થળના વિકાસ માટે ₹73 કરોડની જાહેરાત કરી છે, જેમાં છત્તીસગઢ સરકાર ₹25 કરોડ ઉમેરશે તેમ જણાવતા શ્રી અમિતભાઈ શાહ*

————

*મહારાજશ્રીએ વલ્લભાચાર્યના “દુનિયા સાચી છે, મિથ્યા નથી” ના સંદેશ અને પુષ્ટિમાર્ગ માર્ગના સારનો જનજન સુધી ફેલાવો કર્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*

————

*વૈષ્ણવ ઇનરફેથ પુષ્ટિમાર્ગીય સંગઠન (VIPO) દ્વારા, તેમણે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદોની સેવાને જ પોતાના જીવનનું વ્રત બનાવ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*

————-

*દેશભરમાં 84 સ્થળોએ ભાગવત પ્રવચનો દ્વારા સ્થાપિત ’84 બૈઠકજી’ અને મહાપ્રભુજી દ્વારા લખાયેલ ‘ષોડશા ગ્રંથ’ એ રાષ્ટ્રીય એકતા અને શાશ્વત પરંપરા બંનેને મજબૂત બનાવી હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*

————–

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે વડોદરા ખાતે યોજાયેલ ષષ્ઠપિઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજજીના ૬૦માં જન્મદિવસ નિમિત્તે વિશ્વકલ્યાણ મહોત્સવમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સંબોધન કર્યું.

શ્રી અમિતભાઈ શાહે મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ષષ્ઠીપૂર્તિ મહોત્સવ વલ્લભકુળના તમામ અનુયાયીઓ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને આનંદદાયી અવસર છે. સનાતન સંસ્કૃતિમાં ૬૦ વર્ષ પૂર્ણ થવા એ માત્ર આયુષ્યનો એક પડાવ નથી, પરંતુ તેનું વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું છે. સનાતન પંચાંગ અનુસાર ૬૦ સંવત્સરોનું એક પૂર્ણ ચક્ર હોય છે. વિશેષ કરીને જ્યારે કોઈ સાધક, આચાર્ય કે મહાપુરુષ પોતાના જીવનમાં આ ચક્ર પૂર્ણ કરે છે, ત્યારે તેમના દ્વારા સમાજમાં પ્રસ્થાપિત થયેલી આધ્યાત્મિક ચેતના, દિવ્ય આભા અને સંસ્કારપરંપરા સમગ્ર સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય છે. તેમના જીવનકાર્યો સમાજને નવી દિશા અને પ્રેરણા પ્રદાન કરવાની સાથે અનેકગણી દિવ્યતાથી પ્રજ્વલિત કરે છે. આજનો દિવસ સાચા અર્થમાં એક અદ્ભુત અને પાવન સંયોગ છે. એક તરફ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ૫૫૦ વર્ષથી પણ વધુ ગૌરવશાળી પ્રાગટ્ય પરંપરાનું સ્મરણ અને ગૌરવગાન થઈ રહ્યું છે, તો બીજી તરફ ષષ્ઠીપૂર્તિ મહોત્સવના પાવન અવસરે વલ્લભકુળની સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરાને વધુ સુદૃઢ, સંગઠિત અને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે. આ અવસર સમગ્ર વલ્લભકુળ માટે શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક બની રહેશે.

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની વંશપરંપરાની ૧૪મી પેઢી તથા ગુસાંઈજી મહારાજના ષષ્ઠ પુત્ર શ્રી યદુનાથજીની પરંપરાના તેરમા તિલકાયત તરીકે લાલજી મહારાજશ્રીએ માત્ર વલ્લભકુળના અનુયાયીઓમાં જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજના યુવાનોમાં પણ પંથ, સંપ્રદાય અને હિન્દુત્વ પ્રત્યે વિશેષ આકર્ષણ અને શ્રદ્ધાભાવ પ્રસ્થાપિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. કાશી અને વૃંદાવન જેવી પવિત્ર વિદ્યાનગરીઓમાં સંસ્કૃત, વેદાંત, સાહિત્ય, ન્યાયશાસ્ત્ર અને મીમાંસા જેવા વિષયોનું ગહન અધ્યયન કરી લાલજી મહારાજશ્રીએ આચાર્યની ઉપાધિ પ્રાપ્ત કરી છે. સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વ્રજભાષા, મેવાડી અને ઉર્દૂ સહિતની અનેક ભાષાઓ પર તેમનું વિશેષ પ્રભુત્વ અને ગહન અધ્યયન તેમની વિદ્વત્તાનો પરિચય કરાવે છે.

 

શ્રી શાહે ઉમેર્યું હતું કે VIPO (Vaishnav Innerfaith Pushtimargiya Organization)ના માધ્યમથી અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાયતા પહોંચાડવા માટે મહારાજશ્રી સતત સક્રિય રહ્યા છે. સેવાકાર્યની સાથે તેમણે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ‘જગત સત્ય છે, મિથ્યા નહીં’ના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. પ્રવૃત્તિમાર્ગી પુષ્ટિમાર્ગના મૂળ મર્મને ઉજાગર કરતાં મહાપ્રભુજીના ૮૪ તીર્થસ્થાનો સ્થાનો પર પઠન, પ્રવચન અને માર્ગદર્શનના માધ્યમથી રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો છે. આ સમગ્ર કાર્ય હિન્દુ સમાજને વધુ સંગઠિત, સશક્ત અને એકતાના સૂત્રમાં બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે.

 

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને ઐતિહાસિક વારસાના સંવર્ધન તથા જતન માટે સતત પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે. આ જ દિશામાં તાજેતરમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યસ્થળના વિકાસ અને તેને ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે ભારત સરકાર દ્વારા મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠક ટ્રસ્ટના માધ્યમથી ૧૫ એકર જમીનના ક્ષેત્રફળમાં વિકાસકાર્યો હાથ ધરવા રૂ. ૭૩ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ પહેલ મહાપ્રભુજીની ગૌરવશાળી પરંપરા અને આધ્યાત્મિક વારસાને નવી ઊંચાઈ પ્રદાન કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

 

સંબોધનના અંતે શ્રી અમિતભાઈ શાહે મહારાજશ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરી ષષ્ઠીપૂર્તિ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પાવન અવસરની સફળતા માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.

 

આ પ્રસંગે પૂ.શ્રી આશ્રય કુમારજી, પૂ.શ્રી શરણમ કુમાર મહારાજ સહિત મહારાજશ્રીના અનુયાયીઓ અને વિશાળ સંખ્યામાં વલ્લભ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *