ફાયર વિભાગમાં સત્તાનું ટ્રાન્સફર: નલિન ચૌધરીનું રાજીનામું મંજૂર, અનિલ ચાવડાને નિયામકનો ચાર્જ!

Spread the love

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના નિયામક (વર્ગ-1) નલિનકુમાર રેવાભાઈ ચૌધરીનું રાજીનામું મંજૂર કરતાં ફાયર વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર થયો છે. વિભાગ દ્વારા 25 નવેમ્બર, 2026ના રોજ આ અંગે સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. નલિનકુમાર ચૌધરીના સ્થાને નાયબ નિયામક (તાંત્રિક) તરીકે ફરજ બજાવતા અનિલકુમાર બી. ચાવડાને નિયામકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

 

વિભાગના હુકમ અનુસાર, નલિનકુમાર રેવાભાઈ ચૌધરીનું રાજીનામું 23 નવેમ્બર, 2026ના રોજ કચેરી સમય બાદથી અમલમાં આવે તે રીતે મંજૂર કરવામાં આવ્યું છે. આ માટે વિભાગની અગાઉની 24 નવેમ્બર, 2025ની અધિસૂચનાનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે.

 

હાલની ફરજ ઉપરાંત વધારાનો હવાલો

 

ફાયર વિભાગની ઇમરજન્સી સેવાઓ અને વહીવટી કામગીરીમાં સાતત્ય જળવાઈ રહે તે હેતુથી સરકારે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. નાયબ નિયામક તાંત્રિક) અનિલકુમાર બી. ચાવડાને ગાંધીનગર સ્થિત નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરીના નિયામક પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાની હાલની ફરજો ઉપરાંત આ વધારાની જવાબદારી પણ સંભાળશે.

 

વધારાની જવાબદારી બદલ ચાર્જ એલાઉન્સ મળશે સરકારી હુકમમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અનિલકુમાર બી. ચાવડાને નિયામક પદનો વધારાનો હવાલો સંભાળવા બદલ નિયમોનુસાર ચાર્જ એલાઉન્સ ચૂકવવા તેઓ પાત્ર રહેશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નાયબ સચિવ હિતેશ પટેલની સહીથી આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

 

રાજ્યમાં આગની દુર્ઘટનાઓ, ફાયર સેફ્ટી અને કટોકટીની પરિસ્થિતિમાં અગ્નિ નિવારણ સેવાઓની ભૂમિકા મહત્ત્વની હોય છે ત્યારે વિભાગના વડાના રાજીનામા બાદ નવા કાયમી નિયામકની નિમણૂક થાય ત્યાં સુધી વધારાના હવાલા મારફતે કામગીરી ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *