વૃક્ષો પર વિકાસની કાતર! ચ રોડ બાદ હવે રોડ નં. 2 અને 3નાં વૃક્ષો કાપવાની તૈયારી!

Spread the love

ગાંધીનગરને ગ્રીન સિટીની ઓળખ અપાવનારાં વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષો પર વિકાસનો કુઠારાઘાત વધી રહ્યો છે.

 

શહેરના પહોળા રસ્તાની બંને બાજુ ઊભેલાં વૃક્ષો માત્ર શહેરની હરિયાળી અને પર્યાવરણની ઓળખ છે. જોકે હવે વિકાસના નામે આ જ ઓળખ સફાયો બનવાની તૈયારીમાં છે.

 

રસ્તા પહોળા કરવાની અને સુવિધા ઊભી કરવાની આડમાં ચ રોડ બાદ, રોડ નં. 2 અને 3 પરનાં વર્ષો કાપવા માટે તંત્રે કવાયત શરૂ કરી છે. માર્ગ અને મકાન વિભાગે આ અંગે વન વિભાગને જાણ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ અહીં સાઇકલ ટ્રેક બનાવવાની પણ યોજના છે.

 

મળતી માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચ રોડ, રોડ નં. 2 અને રોડ નં. 3ની આસપાસનાં વૃક્ષો દૂર કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

રોડ નં. 2 પરનાં વૃક્ષોનો સરવે પૂર્ણ કરી દેવાયો છે અને વૃક્ષોને નંબર પણ આપી દેવામાં આવ્યા છે. રોડ નં. 3 પર હજુ સુધી અંદાજે અડધા વૃક્ષોનો સરવે થયો છે

અને બાકીનાં વૃક્ષોનો સરવે બાકી છે.

 

આ કામગીરીમાં વિકાસના કામ માટે જંગલની જમીન ફાળવવાની પણ પ્રક્રિયા છે. જમીન ફાળવાતાં વૃક્ષો કપાશે. કેટલાં વૃક્ષો કપાશે તેનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. વૃક્ષોનું નિકંદન કાઢ્યા બાદ તેની સામે કેટલાં નવાં વૃક્ષો વવાશે અને તેની જાળવણી કોણ કરશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.

 

વૃક્ષોના રી-ટ્રાન્સપ્લાન્ટનો પ્રોજેક્ટ પણ વધુ ખર્ચને લીધે કોરાણે મૂકી દેવાયો

 

ગાંધીનગરમાં વિકાસના કામ દરમિયાન વૃક્ષો કાપવાને બદલે તેને અન્ય જગ્યાએ રી-ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત પણ ચર્ચામાં છે. જોકે મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં અગાઉ વૃક્ષોના રી-ટ્રાન્સપ્લાન્ટના પ્રયાસો ધાર્યા મુજબ સફળ રહ્યા નથી. વૃક્ષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે આધુનિક સાધનો, વિશેષ ટેકનિક અને નિષ્ણાતોની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં ખર્ચ પણ ઘણો થાય છે, ત્યારે વન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ જ કોરાણે મૂકી દેવામાં આવ્યો છે.

 

વૃક્ષોના સરવે અને માર્કિંગની કામગીરી હજુ 12થી 15 દિવસ સુધી ચાલશે ગાંધીનગરના ચ રોડ સહિત રોડ નં. 2 અને રોડ નં. 3 પર આવેલાં વૃક્ષોનો સર્વે અને માર્કિંગ કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી હજુ અંદાજે 12થી 15 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. રોડ નં. 2 પર મોટાભાગનાં વૃક્ષોનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને વૃક્ષોને નંબર પણ આપી દેવામાં આવ્યા છે. જ્યારે રોડ નં. 3 પર હજુ અડધો સર્વે બાકી છે. સમગ્ર સર્વે પૂર્ણ થયા બાદ કેટલાં વૃક્ષો વિકાસની કામગીરીની ઝપેટમાં આવશે તેનો અંદાજ મળી શકશે.

 

વિકાસ માટે વૃક્ષો કાપવાં જરૂરી છે? તંત્ર અન્ય વિકલ્પો શોધવામાં ઊણું ઊતર્યું?

 

સરકાર પર્યાવરણ બચાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની વાતો કરે છે ત્યારે ગાંધીનગરની ઓળખ સમાન વર્ષો જૂનાં વૃક્ષો કાપવાની તૈયારી કેમ? નવાં વૃક્ષો વાવવાના નામે વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવું કેટલું યોગ્ય છે? સાઇકલ ટ્રેક અને રસ્તા પહોળા કરવા માટે વૃક્ષો જ નડતરરૂપ છે કે પછી વૃક્ષોને બચાવીને વિકાસ કરવાનો કોઈ વિકલ્પ શોધવાની તંત્રની તૈયારી જ નથી? જો ગાંધીનગરમાંથી આ જ રીતે વૃક્ષો કપાતાં રહેશે તો ગ્રીન સિટીનું બિરુદ માત્ર કાગળ પર જ રહી જશે કે શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *