મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સરદારસિંહ રાણા, શ્યામજીકૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા સહિત અનેક ગુજરાતીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્યના ૭૫માં વર્ષને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવાની પહેલ કરીને જનભાગીદારી- જન આંદોલન થકી નાગરિકો જોડ્યા છે. ભારતની આઝાદીના ૧૦૦મા વર્ષે સૌ સાથે મળીને ભારતને વધુ આત્મનિર્ભર, સમૃદ્ધ અને મહાસત્તા બનાવવા સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત લો સોસાયટી-GLS કોલેજના લો ફેકલ્ટી દ્વારા ભારતભરના ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશના ૧૨૦૦ જેટલા સ્પર્ધકો વચ્ચે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની નિબંધ સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણાથી શરૂ થયેલી ગુજરાત લૉ સોસાયટીએ પુન: એકવાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજીને ભારતભરના યુવાનોને દેશ ભક્તિ, રાષ્ટ્રભાવના સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભારત માતા કી જય એટલે આપણો દેશ સુજલામ સુફલામ બને, ધન-ધાન્યથી સમૃદ્ધ બને, કોઇ ભુખ્યૂ સુવે નહી, દરેક માટે ઘર હોય. આપણે આઝાદીના ૭૫મા વર્ષ નિમિત્તે ભારતમાંથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે માટે સંકલ્પ કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી, તેમને ભારતને આઝાદ કરવા આપેલા બલિદાનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ એટલે જ નેશન ફર્સ્ટનો નારો-મંત્ર આપ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને આપણે સાથે મળીને સાકાર કરવાનું છે.
આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ વિજેતા પશ્વિમ બંગાળ નેશનલ યુનિવર્સિટી ઓફ જ્યુડિશિયલ સાયન્સિસના શ્રી અર્જુન બેનર્જી, દ્વિતિય વિજેતા વી. એમ. સાલાગોપાલ કોલેજ ઓફ લો ગોવાના શ્રી સમૃદ્ધિ રાવોત, તૃતીય વિજેતા આઇ.આઇ.ટી. બોમ્બેના શ્રી નમિતા સાવંતને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ પ્રસંગે અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહીને GLS યુનિવર્સિટીના પ્રમુખશ્રી ડૉ. સુધીર નાણાવટીએ સ્વાગત પ્રવચન તેમજ GLS યુનિવર્સિટીના લૉ ફેકલ્ટીના ડાયરેક્ટર ડૉ. મયુરી પંડ્યાએ સમગ્ર નિબંધ સ્પર્ધાની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ થકી ભારતભરના ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ- વાલીઓ અને GLS સહિત વિવિધ લૉ કોલેજના ફેકલ્ટી- વિદ્યાર્થીઓ જોડાયા હતા.