ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન– આઈઆઈટીઈ) દ્વારા આવતીકાલ 28 ઑગસ્ટ 2021ના રોજ સવારે 7 કલાકે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી – ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે આઈઆઈટીઈ દ્વારા આ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવનથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.
આઈઆઈટીઈની સ્ટુડન્ટ સપોર્ટ, કલ્ચરલ એન્ડ વેલ્ફેર બ્રાન્ચ દ્વારા આયોજિત આ સાઇકલ રેલીની માહિતી આપતા એસએસસીડબ્લ્યુબીના વડા ડૉ. મેહુલ દવેએ જણાવ્યું કે, “આઈઆઈટીઈના માન. કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના પ્રતીકરૂપે આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી પાંખના સભ્યો મળીને કુલ 75 સાઇકલ સવાર આ રેલીમાં ભાગ લેશે અને માન. રાજ્યપાલશ્રી રાજભવન ખાતેથી આ સાઇકલ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ સાઇકલ રેલી રાજભવનથી શરૂ થઈને સૂર્યજ્યોત સરોવર, ચ-2, ચ-3, ચ-5થી ખ-5 થઈને આઈઆઈટીઈના સંકુલમાં પૂર્ણ થશે.”
ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી –‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે આઈઆઈટીઈ દ્વારાઑગસ્ટમાં ત્રીજા આ કાર્યક્રમનું આયોજન થયું છે. 15 ઑગસ્ટના રોજ‘ફ્રીડમ રન 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ દિવસે ગુજરાત ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી નવીન શેઠ દ્વારા આઈઆઈટીઈ સંકુલમાં આવેલા અભિવ્યક્તિ જ્ઞાન પટલ પર સ્વતંત્રતા સેનાનીઓના વિશાળ ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું.