જો કોઈપણ પ્રોડકટ ખરાબ થાય તો ગ્રાહક તે વસ્તુ પરત આપીને અથવા સરખી કરાવીને વાપરે છે પરંતુ, તકનિકી વસ્તુમાં આવેલ ખામીને કઈ રીતે વ્યકતિગત ધોરણે તપાસી શકાય એ મોટો સવાલ છે. આ જ પ્રકારની સમસ્યાનો સામનો ઓટો કંપનીઓના ગ્રાહકો એટલે કે કાર અને અન્ય વાહનો ખરીદનાર માટે સર્જાતી હોય છે. ઓટો કંપનીઓ હાલમાં માંદા અર્થતંત્ર અને લોકોની ખરીદશક્તિમાં થયેલ ઘટાડાને કારણે સુસ્તીનો સામનો કરી રહી છે તેવામાં સરકાર પાસે ટેક્સ ઘટાડીને ઓટો સેક્ટરને બૂસ્ટર ડોઝ આપવાની ઈન્ડસ્ટ્રી અને માર્કેટ જગત કરી રહ્યું છે પરંતુ, આ કપરી પરિસ્થિતિથી અવગત ન હોય તેમ મોદી સરકાર હવે વાહન ઉદ્યોગ પર પડતા પર પાટું મારવા જઈ રહી છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર વાહનો અંગેની રિકોલ પોલિસી જાહેર કરવા જઈ રહી છે. છેલ્લા છ-આઠ માસથી ઓટો રીકોલ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને હવે અંતે સરકાર 2019ના અંત સુધીમાં આ પોલિસી લાગુ કરી શકે છે.
હાલમાં પણ જો કોઈ પણ વ્હિકલ્સમાં ખામી સર્જાય અથવા કંપનીને ધ્યાને પડે તો મોટા પ્રમાણમાં ગાડી પરત મંગાવીને તે ભૂલ સુધારવામાં આવે છે અને ગાડીમાં સુધારા-વધારા કરીને માલિકને પરત કરવામાં આવે છે પરંતુ, આ સમગ્ર પ્રક્રિયા સ્વૈચ્છિક છે. ઓટો કંપનીઓને તેમના રીસર્ચ અથવા તેમને વારંવાર મળેલ ફરિયાદને ધ્યાને લઈને તૈયાર થયેલ રીપોર્ટને અંતે ગાડી રીકોલ અથવા એક સમગ્ર લોટ(જથ્થો) રીકોલ કરવાનો નિર્ણય કરતી હોય છે. આ પ્રકારના રીકોલ માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી. ઓટો કંપનીઓને યોગ્ય લાગે તો તેઓ ગાડી પરત મંગાવે અને યોગ્ય સમારકામ કરીને, સુધારા-વધારા કરીને પરત મોકલી આપે.
જોકે તાજેતરમાં જ પાસ થયેલ અને લાગુ થયેલ નવા મોટર વ્હિકલ બિલ(2019)માં રીકોલ પોલિસીનો ઉલ્લેખ હતો અને સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરવા જઈ રહી છે. એક મીડિયા અહેવાલ અનુસાર સરકાર ફરજિયાત ગાડી પરત મંગાવવાનો નિયમ બનાવી શકે છે. જો સરકારની તપાસમાં કે એજન્સીની તપાસમાં ગાડીના મોડલમાં ખામી જણાશે તો ગાડીનો લોટ કે સમગ્ર સીરીઝ જ પરત મંગાવવાનો ઓર્ડર સરકાર કરી શકશે. આ નવા અધિનિયમ બાદ સરકાર પાસે સત્તા હશે કે તેઓ ઓટો કંપનીને આદેશ કરી શકે કે ગાડી વધુ પ્રદૂષણ ફેલાવી રહી છે, ગાડીના સ્પેસિફિકેશન યોગ્ય નથી, ગાડીના સ્પેયરપાર્ટસમાં ખામી છે, એરબેગમાં કોઈ સમસ્યા છે કે પછી કોઈપણ વ્યાજબી કારણને આધારે ગાડી પરત મંગવાવનો ઓર્ડર ઓટો કંપનીઓને આપી શકે છે.
હાલની નીતિ પ્રમાણે જો ગાડીમાં ખામી સર્જાય તો ગાડી ખરીદનાર કે વાહન ચાલક વ્યકતિગત ધોરણે અરજી કે ફરિયાદ કરે છે અને તેને આધારે જ ઓટો કંપનીઓ વળતર આપવાનું, ગાડીમાં સુધારા-વધારા કરી આપવાનું કે ગાડી પરત મંગાવવાનો કે અન્ય કોઈપણ નિર્ણય વ્યકતિગત ધોરણે જ લઈ શકે છે. નવા કાયદામાં ઓટો કંપનીઓ પર દંડની જોગવાઈ છે. ગાડી પરત મંગાવવા સિવાય પણ સરકાર ઓટો કંપનીઓ પર દંડ ફટકારી શકે છે. જો પર્યાવરણને, વાહન ખરીદનાર કે વાહનચાલક કે અન્ય કોઈપણ પક્ષકારને જો નુકશાન થશે તો સરકાર તે બદલ દંડ વસૂલી શકે છે. આ દંડની જોગવાઈ 100 કરોડ રૂપિયા સુધી પણ હોઈ શકે છે.
માત્ર ઓટો કંપનીઓ નહિ પરંતુ, એક સ્વતંત્ર સંસ્થા બનશે જે કારને અન્ય મોડલને બધા જ માપદંડ આપશે અને જો આ માપદંડ કે અલગ પરિણામ કોઈ પણ કારમાં નીકળ્યું તો કંપની અથવા એજન્સીની જવાબદારી નક્કી કરીને દંડ ફટકારવામાં આવશે. કાર ચાલકને વાહનમાં સુધારા વધારા કરી આપવાની જોગવાઈ સાથે, સમગ્ર વાહનની રકમ પરત કરવાનો અથવા સમકક્ષ અન્ય વાહન આપવાની સજાનું પણ ફરમાન છે. જોકે સામે પક્ષે જોઈએ તો આ સમગ્ર કાયદો સરકારની તિજોરી તો ભરી શકે છે પરંતુ, વાહનચાલકોની સુરક્ષા અને કંપનીઓની વાહન-વાહનચાલકો પ્રત્યેની ગંભીરતાને પણ વધારશે. ઓટો સેક્ટરની કંપનીઓ આ કાયદા બાદ સ્વૈશ્ચિક રીકોલનો વિકલ્પ ઝડપથી અને વધુ પસંદ કરશે.
આ કાયદાની પણ અનેક મર્યાદાઓ હશે કે જેમકે માત્ર અમુક નિદર્શને આધારે સમગ્ર લોટ કે એક જ મોડલની બધી જ કાર કે અન્ય કોઈ વાહન પરત મંગાવવાનો ઓર્ડર સરકાર ન કરી શકે. ગેરવ્યાજબી અને ઓટો કંપનીઓ પ્રત્યે ખરાબ સંદેશ જશે. આ સિવાય અમુક નિદર્શની સાથે, અમુક વાહન માલિક કે ટેસ્ટિંગ એજન્સી કે અન્ય કોઈ પણ સ્ત્રોત તરફથી મળેલ ફરિયાદને આધારે આ પ્રકારના રીકોલના નિર્ણય વાહન ઉદ્યોગના સેન્ટીમેન્ટને નકારાત્મક અસર કરશે. સ્પષ્ટતા એ પણ જરૂરી હશે કે કંપની વિરૂદ્ધ શું ક્લાસ એક્શન લો સ્યુટ થઈ શકશે કે કેમ ? ઘર ખરીદનારને ઘર ન મળે, ખરાબ મળે, યોગ્ય જણાવેલ હોય તે મુજબનું ન મળે તો ઘર માલિકો ડેવલપર્સ વિરૂદ્ધ ક્લાસ એકશન લો સ્યુટ દાખલ કરી છે, શું તેવી જ સખ્તી ઓટોમોબાઈલ કંપનીઓ વિરૂદ્ધ લઈ શકાશે કારણે કે હાલમાં માત્ર વ્યકતિગત કેસોને આધારે જ ફરિયાદ લેવામાં આવે છે.
વર્ષ 2012થી ઓટો સેક્ટરની સંગઠન સંસ્થા SIAM(સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ) ઓટો કંપનીઓ દ્વારા થતા રીકોલના ડેટાનો સંગ્રહ કરે છે. તેમાં ઉત્પાદક કંપની અને મોડલનો પણ અલગથી ઉલ્લેખ થાય છે. SIAMના આંકડા અનુસાર અમુક વિશિષ્ટ ખામી સાથે 2012થી અત્યાર સુધી કુલ 26 લાખ યુનિટ વાહન ઉત્પાદક કંપનીઓએ પરત મંગાવ્યા છે. ભારતના ઈતિહાસનું સૌથી મોટું રીકોલ ફોક્સવેગને કર્યું હતુ. ડિસેમ્બર, 2015માં જર્મનીની ઓટોમોબાઈલ કંપનીએ તેના 3,23,700 યુનિટ પરત મંગાવ્યા હતા.