મોટરવ્હીકલ એક્ટના નવા નિયમનો દિવાળી બાદ તુરંત જ તા. 1 નવેમ્બરથી અમલ કરાવતા સુરત ટ્રાફિક પોલીસે ધડાધડ 20528 વાહનચાલકોને પકડીને રૂ. 84 લાખ 27 હજાર 600નો દંડ વસૂલ કર્યો છે.
આટલી મોટી માત્રામાં દંડ માત્ર એક સપ્તાહમાં જ વસૂલી ટ્રાફિક પોલીસે સરકારની તિજોરી છલકાવી છે. જોકે, તેમાં સૌથી વધુ ભોગ મોટરસાઈકલવાળા મધ્યમવર્ગીય પરિવાર જ બન્યું છે. આવા સાત જેટલા લોકો સામે તો પોલીસ ફરિયાદ પણ થઈ છે.
તા. 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાનના સુરત ટ્રાફિક પોલીસના અધિકૃત આંકડાઓનો અભ્યાસ કરીએ તો માલૂમ પડે છે કે માત્ર 2990 ફોરવ્હીલરધારીઓને પકડી રૂ. 15 લાખ 42 500નો દંડ વસૂલાયો છે જ્યારે તેની સામે આ જ સમય દરમિયાન એટલે કે સપ્તાહમાં 16967 ટુવ્હીલરવાળાને પકડીને રૂ. 65 લાખ 51 હજાર 400નો દંડ વસૂલ કર્યો છે. જ્યારે 505 ઓટો રિક્ષા- ટેમ્પોવાળાને પકડીને રૂ. 2,67,700નો દંડ વસૂલ કરાયો છે. આ આંકડા જ કહી જાય છે કે 8 ગણા મધ્યમવર્ગીય એટલે કે બાઈક ચલાવનારા લોકો દંડાયા છે. જોકે, દંડની સરેરાશ જોઇએ તો કારવાળાઓએ સરેરાશ 500 રૂપિયા તો બાઇકચાલકોએ સરેરાશ 383 રૂપિયા ભર્યા છે. આમ, સંખ્યાની દૃષ્ટિએ બાઇકચાલકો વધારે છે પરંતુ સરેરાશ દંડની દૃષ્ટિએ રકમ ઓછી છે.
જોકે, ગરીબ અને મધ્યમ વર્ગના જ વિરોધનો સામનો પણ પોલીસ કરી રહી છે. પોલીસ કાર્યવાહીનો વીડીયો ઉતારવો કોઈ ગુનો ન હોવા છતા હાલમાં જ વરાછામાં પોલીસ કાર્યવાહીમાં અવરોધ પેદા કરવાનો ગુનો પણ નોંધી પોલીસે પોતે જ બલવાનનો પરિચય પણ આપ્યો છે. જાણકારો કહે છે કે નવા નિયમોનો અમલ જરૂરી છે. બધાના હિતમાં છે પરંતુ સરકારે બળ કરતા કળથી કામ લેવું જોઇએ. પોલીસનો ઉદ્દેશ્ય દંડથી ડરાવવાનો ન હોવો જોઇએ. દંડથી લોકો નિયમોનું પાલન કરતા થાય તે હોવું જોઇએ. એટલે માત્ર દંડ વસુલવા કરતા લોકોના વર્તનમાં બદલાવ આવે તેવા કાર્યક્રમો વધુ કરવાની જરૂર છે.
તારીખ પ્રમાણે દંડની વસૂલાત કેટલી?
– 1 નવેમ્બરે કુલ 3342 વાહનચાલકો પાસેથી રૂ. 1406300 દંડ વસૂલ્યો
– 2 નવેમ્બરે 1690 જણાં પાસેથી રૂ.719300નો દંડ
– 3 નવેમ્બરે 2939 પાસેથી રૂ. 1182300નો દંડ
– 4 નવેમ્બરે 2829 પાસેથી રૂ. 1155600નો દંડ
– 5 નવેમ્બરે 3085 પાસેથી રૂ. 1261500નો દંડ
– 6 નવેમ્બરે 3457 પાસેથી 1403700નો દંડ
– 7 નવેમ્બરે 3186 વાહનચાલકો પાસેથી રૂ. 1298900નો દંડ વસૂલાયો છે.