મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાત (Gujarat) ના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકાર (gujarat government) ના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઊભી કરવા દાતાઓને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.
આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે. આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે.આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ ‘વતનપ્રેમ યોજના’ અન્વયે ગુજરાતમાં પોતાની પસંદગીનું ગામ, પોતાની પસંદગીનું કામ, પોતાની પસંદગીની એજન્સી દ્વારા ૬૦ ટકા પોતાના દાન અને બાકીના રાજ્ય સરકારના ૪૦ ટકા અનુદાનથી કરાવી શકે છે.
આ વતન પ્રેમ યોજના (vatan prem yojna) માં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સીસીટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે.ગામમાં નક્કી થયેલા કામ અને ટાઇપ ડિઝાઇન માટે અલાયદા વેબપોર્ટલની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો
‘વતનપ્રેમ યોજના’ના આ પાસાંઓમાં યોજનાના અસરકારક અમલીકરણ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટની રચના, દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્યકક્ષાએ અલાયદા બેંક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામના સ્થળે દાતા પ્રત્યે આભાર પ્રગટ કરતી તેમના નામની તકતી મૂકવી ઉપરાંત દાતા દ્વારા સૂચવાયેલા ગામમાં નક્કી થયેલા કામ અને ટાઇપ ડિઝાઇન માટે અલાયદા વેબપોર્ટલની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં વી.સી.ઇ.ની વતનપ્રેમ પ્રેરક તરીકેની પસંદગી અને તેના દ્વારા દાતાને સમયાંતરે કામગીરીની જાણકારી આપવાની વ્યવસ્થા તેમજ યોજના સંબંધી પ્રશ્નોના નિવારણ અને માહિતી આદાન-પ્રદાન માટે અલાયદા 24×7 કોલ સેન્ટરની વ્યવસ્થા પણ આ યોજનાના મુખ્ય પાસાંઓમાં સમાવી લેવામાં આવી છે.
આ ગવર્નિંગ બોડીમાં ઉપાધ્યક્ષ તરીકે ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી તેમજ અન્ય સભ્યોમાં પંચાયત અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ, પાણી પુરવઠા, ગ્રામવિકાસ, માર્ગ મકાન, સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવો ઉપરાંત એન.આર.જી ફાઉન્ડેશનના અધ્યક્ષ સભ્યો તરીકે તેમજ વિકાસ કમિશનર સભ્ય સચિવ અને ગ્રામ ક્ષેત્રના વિકાસ કામગીરી સાથે સંકળાયેલા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આમંત્રિત સભ્યો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.મુખ્યમંત્રીએ રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણના કામોને આ વતન પ્રેમ યોજનાના કામોમાં અગ્રતા આપવા પણ બેઠકમાં પ્રેરક સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે યોજનાના વેબ પોર્ટલ પર દરેક ગામોની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવાની સૂચના વિભાગને આપી હતી. રાજ્યમાં શાળાઓમાં જે ઓરડાની જરૂરિયાત છે તે ઓરડા વતન પ્રેમ યોજનાના દાતાઓ અને સરકારના સંયુક્ત અનુદાનથી નિર્માણ કરવાની દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
મહત્વનું છે કે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, પંચાયત અને ગ્રામ વિકાસના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, વિકાસ કમિશનર સંદીપકુમાર, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા, નાણાં વિભાગના સચિવ મનિષા ચંન્દ્રા, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી. એચ. શાહ, પ્રદેશ અગ્રણી ભરતભાઇ પંડ્યા તેમજ અધિક વિકાસ કમિશનર વિશાલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતાં.