મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે.
તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી બની છે.પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે ઈન્ડીયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દૃષ્ટિએ ત્રીજા નંબરે અને કોસ્ટ મૂલ્યની દૃષ્ટિએ ૧૩ મા ક્રમે મોટું માર્કેટ છે . આપણા ફાર્માસ્યુટિકલ ઊદ્યોગે સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ પ્રદાન કરવાની વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું ‘મેઇક ઇન ઇન્ડીયા’ને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે,ત્યારે અમી લાઇફ સાયન્સીસ આ નેમને સાકાર કરતાં ૪૦ થી વધુ એકટીવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર કરે છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એકસપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનેરીક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે.
તેમણે જણાવ્યું કે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર દેશમાં મોખરે છે અને બિન ગુજરાતીઓને પણ ગુજરાત મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યું છે.
દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે ૩૯ બિલીયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી ૫૦ ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે. ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની પ્રતિબદ્ધતા સાકાર થઇ છે તેમ ગૌરવ સહ તેમણે જણાવ્યું હતું.
શ્રી રૂપાણીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત –આત્મનિર્ભર ગુજરાતનો લક્ષ્યાંક મેડિકલ ઉપકરણો અને દવા ઊદ્યોગમાં પાર પાડવા રાજકોટ નજીક મેડીકલ ડિવાઇસીસ પાર્ક અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પ્રોડકશન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું રાજ્યમાં જી.આઇ. ડી.સી ના માધ્યમથી ઉદ્યોગો માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી છે જેને પરિણામે ગુજરાત આજે વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટીનેશન બન્યું છે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ૪૫ વર્ષના શાસન દરમ્યાન ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પેટ્રોલિયમ, મરિન, ફોરેન્સિક સાયન્સ, રક્ષા શક્તિ જેવી સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદા નો પ્રબંધ કર્યો છે. શોધ યોજના દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે કારકિર્દી નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે.
વિશ્વ આખું આજે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે કોરોના જેવા આવા રોગો સહિત કેન્સર, ડાયાબિટીસ, ક્રોનિક અને અસાધ્ય રોગ માટેની દવાઓ આપણા ફાર્માસ્યુટિકલ સેકટરના આર એન્ડ ડી થી દેશ અને દુનિયાને મળી છે, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કોરોના સામેની વેકસીન ગુજરાતના ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે એનું પણ આપણે ગૌરવ લઇ શકીયે. સદીમાં એકાદવાર જોવા મળતી કોરોના જેવી મહામારી દરમ્યાન પણ ગુજરાતના ફાર્મા ઊદ્યોગોએ ફાર્માસ્યુટિકલ પ્રોડકશન હબ તરીકે આગવું પ્રદાન કર્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમમાં વિવિધ ફાર્મા કંપની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ માટેના રિસોર્સીસ પણ વિકસાવી રહી છે. આજે હવે એમાં એક વધુ નામ અમી લાઇફ સાયન્સીસનું ઉમેરાયું છે. નવા રોગો અને તેની સામે નવિન દવાઓના ઉત્પાદનમાં વપરાતા મોલેકયુલ્સ ઉપર અમી લાઇફ સાયન્સના આજથી કાર્યરત થયેલા આર એન્ડ ડી સેન્ટરમાં થનારું સંશોધન વિશ્વની માનવજાત માટે ઉપયોગી અને જીવનરક્ષક બનશે તેવો વિશ્વાસ મુખ્ય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
એકમના સી.એમ. ડી.શ્રી ગિરીશ ચોવટીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મહેમાનોને આવકાર્યા હતા.
આ સ્ટેટ ઓફ આર્ટ રિસર્ચ યુનિટ છે તેવી જાણકારી આપતાં કંપનીના સુકાની શ્રી ગિરીશ ચોવટીયા એ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ઉદ્યોગો માટે મૈત્રિભરી ઉદ્યોગ નીતિના પ્રોત્સાહનથી ફાર્મા ઉદ્યોગ અભૂતપૂર્વ વિકાસના માર્ગે છે અને રોજગારી,આરોગ્ય રક્ષાની સાથે આત્મ નિર્ભર ભારતમાં યોગદાન આપી રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં સાવલીમાં કરખડી કરતાં ચાર ગણી મોટી સુવિધા ઊભી કરી બે હજારથી વધુ લોકોને રોજગારી આપવાનું કંપનીનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમી લાઇફ સાયન્સીસના સ્થાપક શ્રી ગિરીશભાઇ ચોવટીયા એ પરિશ્રમની પરાકાષ્ટાથી આ સિદ્ધિ મેળવી છે. ૧૯૯૮માં નાના પાયે પોતાની સ્વતંત્ર ટ્રેડીંગ કંપની શરૂ કરીને ૨૦૦૨માં એટલે કે પાંચ જ વર્ષમાં અન્ય કંપની ખરીદીને પ્રોડકશનમાં ઝંપલાવવાની સાહસિકતા તેમની ખૂમારીને ઊજાગર કરે છે.
બે હજાર સ્કેવર ફિટમાં શરૂ થયેલી અમી લાઇફ સાયન્સીસ આજે એક લાખ રર હજાર સ્કેવર મીટરમાં વિસ્તરી છે. ગ્લોબલ ફાર્મા સ્યુટિકલ ક્ષેત્રે રૂ.૫૦૦ કરોડના ટર્નઓવરથી નામના મેળવીને ૧૦૦૦ જેટલા લોકોને રોજગારી પણ ગિરીશભાઇએ અમી લાઇફ સાયન્સીસથી પૂરી પાડી છે. હૃદયરોગ, ડાયાબિટીસ, હાયપર ટેન્શનની સારવારમાં ઉપયોગી દવાઓના એ.પી.આઇ તો, અમી લાઇફ સાયન્સીસ કરે છે અને દુનિયાના ૬૦ દેશોમાં વેપાર કારોબાર કરવા સાથે ઇન્ટરનેશનલ લેવલની ટોપ કંપનીઓ સહિત ૬૦૦ થી વધુ કસ્ટમર પણ ધરાવે છે.
આ પ્રસંગે નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, ધારાસભ્યો સર્વ શ્રી મનીષા બેન વકીલ, સીમાબેન મોહીલે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર શ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુધીર દેસાઈ, પાદરા વિસ્તારના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ, એકમના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા