ગાંધીનગર શહેર નજીક રૃપાલના વરદાયીની માતા મંદિરે દર વર્ષે નવરાત્રીના નવમાં દિવસે ઘીની પલ્લી નીકળે છે જેમાં પલ્લી ઉપર લાખ્ખો લીટર શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. જો કે ગત વર્ષે કોરોનાની સ્થિતિના કારણે મર્યાદિત ભક્તો સાથે જ પલ્લી નીકળી હતી અને આ વર્ષે પણ મેળાને મંજુરી આપવામાં આવી નથી તેમજ ગ્રામજનો સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.પોલીસ દ્વારા પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો સવારથી જ ગામના બજારોને પણ બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે. ગત વર્ષથી શરૃ થયેલા કોરોના સંક્રમણની અસર ધાર્મિક સામાજિક પ્રસંગો ઉપર પડી છે. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામના વરદાયીની માતાજી મંદિરેથી નીકળતી જગપ્રસિધ્ધ પલ્લી ઉપર પણ તેની અસર જોવા મળી છે. ગત વર્ષે કોરાની સ્થિતિ ખુબજ વકરી હતી ત્યારે છેલ્લે સુધી પલ્લી અંગે ગુપ્તતા જાળવવામાં આવી હતી અને આખરે હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખવા મર્યાદિત ભક્તો સાથે પલ્લી નીકળી હતી. ત્યારે આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ થાળે પડી નથી અને નવરાત્રી દરમ્યાન પણ જાહેરનામાંઓ અમલી છે જે અનુસંધાને ૪૦૦થી વધુ વ્યક્તિઓ એકઠાં થઈ શકતા નથી. જેને અનુલક્ષીને રૃપાલ ગામે પલ્લી મેળા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.પરંપરા મુજબ પલ્લી યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા આડકતરો સંકેત આપી દેવામાં આવ્યો હતો. ત્યારે આવતીકાલે નવમાં નોરતે રૃપાલ ગામેથી પલ્લી નીકળશે પરંતુ તેમાં બહારના કોઈ જ ભક્તો ગામમાં પ્રવેશી શકશે નહીં પરંપરા મુજબ નીકળતી આ પલ્લીમાં આમ તો લાખ્ખો લોકો ઉમટી પડતાં હોય છે પરંતુ હાલ કોરોનાની આ સ્થિતિના કારણે આજ સાંજથી જ ગામ ફરતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજ સવારથી ગામના બજારો પણ બંધ રાખવા માટે વહીવટી તંત્ર અને પોલીસે તાકીદ કરી છે. પલ્લીને અનુલક્ષીને આવતાં ગ્રામજનોના સગાઓને પણ બાર વાગ્યા સુધીમાં પ્રવેશ મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. બપોર બાદ ગામના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દેવામાં આવશે. આ વખતે ગ્રામજનો સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ પલ્લીમાં પ્રવેશી શકશે નહીં તો પલ્લી ઉપર લાખો લીટર શુધ્ધ ઘીનો અભિષેક પણ થતો હોય છે પરંતુ ગત વર્ષ બાદ આ વર્ષે પણ બહારના ભક્તો ગામમાં આવી શકવાના નહીં હોવાથી તેમના માટે ઘી ચઢાવવા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મંદિર બહાર ઘી માટે ટ્રોલી ગોઠવવામાં આવી છે.