પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ અને પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓના વખાણ કર્યા હતા.સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર બદલાઈ, મુખ્યમંત્રી બદલાયા અને મંત્રીઓ પણ બદલાયા. પણ શિસ્તબદ્ધ પાર્ટીના નાતે હું કહી શકું કે, આટલી સરળતાથી ફેરબદલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. કોઈ બીજી પાર્ટીમાં ક્યારેય શક્ય નથી. આટલો મોટો ફેરફાર થયો પણ કોઈ ચુ-ચા ન આવી તે પણ મહત્ત્વનું છે. જે બદલાયા તે પણ પાર્ટીના જ કાર્યકર્તા હતા. એ પોતે પણ પાર્ટી સાથે વફાદારીથી જાેડાયેલા હતા. જે નવા આવ્યા તેમને સપોર્ટ કરવાનો જે પ્રયાસ થયો છે તેના કારણે આ નવી સરકાર સરળતાથી ચાલે છે.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અભિવાદનના આવા કાર્યકમ દ્વારા સમાજ જ્યારે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરે છે ત્યારે પાર્ટી પણ મજબૂત બને છે અને જે મંત્રીઓ ચૂંટાઈને આવ્યા છે તેમને પણ કામ કરવાની દિશા મળે છે. તેમને પણ મુદ્દા મળે છે કે, ક્યા મુદ્દા પર કામ કરવું. સમાજની જરૂરીયાત શું છે તેનું પણ મહત્ત્વ આવા કાર્યક્રમ દ્વારા તેમને સમજાય છે. આખા દેશમાં ગુજરાતનો પટેલ સમાજ એક એવો સમાજ છે જેમને નવા-નવા પ્રયોગો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કેટલા પ્રકારે કરી શકાય તેનું માર્ગદર્શન કોઈને મેળવવું હોય તો ગુજરાતમાં આવીને પાટીદાર સમાજ પાસેથી શીખવું જાેઈએ. એટલી સેવાકીય પ્રવૃત્તિ આપ સૌ કરી રહ્યા છો. સમૂહલગ્નની શરૂઆત ગુજરાતથી થઇ. સમાજની ગરીબ માં-બાપની દીકરીના લગ્ન પૈસાના કારણે અટકી ન જાય એટલા માટે આ શરૂઆત થઇ. તેની શરૂઆત વિશાળના બદલ વિકરાળ કહી શકાય તે પ્રકારે લોકોનું સમર્થન પણ તેને મળ્યું છે. લોકોએ એમાં પણ ખૂબ દાન આપ્યું. બાકીના સમાજને પણ તેમાંથી માર્ગદર્શન મળ્યું. તે સમયે પણ એવા નિયમ બનાવવામાં આવ્યા હતા કે ટ્રસ્ટી બનવું હોય તો પોતાના દીકરા કે દીકરીના લગ્ન આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં જ કરવા પડે. આ શરત રાખીને તેનું પાલન પણ કર્યું.સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે પાટીદાર સમાજ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે તેમને ખૂબ સમર્થન મળતું હોય છે. સમાજની એકતા, સમર્પણની ભાવ અને સમાજને ઉપયોગ થવા માટે ખિસ્સામાં હાથ નાખવાની આદત છે એટલે આટલા મોટા-મોટા પ્રોજેક્ટો પણ સફળ થાય છે. આ ફક્ત ગુજરાતમાં શક્ય છે. બહારના રાજ્યમાં આ વાત કરીએ ત્યારે તેમને એમ થાય કે આ ન થઇ શકે.સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, એક કાર્યકર્તા તરીકે અને મારી પાસે જે જવાબદારી છે તેના પરથી હું કહીશ કે પાર્ટી અને સરકાર તમારી સાથે રહેશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે પ્રામાણિકતા સાથે તમારી સાથે ઉભા રહેશું.