રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારી શરૂ થઇ ગઈ છે. અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તો અત્યારથી રાજકીયપક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પાટણમાં ઠાકોર સમાજ દ્વારા શસ્ત્રપૂજા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્યોએ આપેલા નિવેદનના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર વિજયાદશમીના અવસરે પાટણના વરાણા ખાતે ઠાકોર ક્ષત્રીય સમાજનો શસ્ત્રપૂજા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. આ બંને પૂર્વ ધારાસભ્યોએ માગણી કરી હતી કે, રાધનપુર વિધાનસભાની બેઠક પરથી ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.
નાગરજી ઠાકોરે જણાવ્યું હતું કે, માગ અમે એવી કરી છે કે, અહિયાં સ્થાનિક ઉમેદવાર આ વિસ્તારમાં આવજો જોઈએ. સ્થાનિક ઉમેદવાર આવે એટલે સાર્વજનિક સમાજને આ લાગુ પડે. આમાં ઠાકોરને ટિકિટ મળે તેવી કોઈ વાત નથી. કોઈ પણ સમાજમાંથી ટિકિટ લઇને આવશે તેની સામે અમે ક્ષત્રીય સમાજના ભાજપના આગેવાનો રહીશું.
લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજની નહીં પણ સામાન્ય જનતાની વાત છે કે, આ વિસ્તારમાં અહિયાં ભાજપના માણસો છીએ. ભાજપના આગેવાનોએ એવી વિનંતી કરી છે કે, ભાજપમાંથી અહિયાંથી સ્થાનિક ઉમેદવાર આવે એ પછી ઠાકોર સમાજ કે અન્ય સમાજનો હોઈ શકે. પણ તે આ વિસ્તારનો હોવો જોઈએ તેવી જનતાની માગ છે.
મહત્ત્વની વાત છે કે, અગાઉ અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો હતો. ત્યારબાદ તેને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈને ચૂંટણી લડ્યો પણ કોંગ્રેસના ઉમેદવારની સામે તેની હાર થઇ હતી. ત્યારબાદ હવે ભાજપના જ નેતાઓએ જ અલ્પેશ ઠાકોરને ટિકિટ ન આપવાનો શુર આલાપ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં હોવા છતાં પણ ક્યારેક ભાજપ વિરુદ્ધ નિવેદનો આપતો હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે ઠાકોર સમાજે જ રાધનપુરમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી. એટલે 2022માં અલ્પેશ ઠાકોરની ટિકિટ રાધનપુર બેઠક પરથી કાપવાની તૈયારી શરૂ થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.