OPDમાં આવતાં બાળકો પૈકી 45 ટકાને દાખલ કરવા પડે છે બે સપ્તાહમાં જ બાળકોમાં ડેન્ગ્યૂના 49 કેસ નોંધાયા
ઓપીડીમાં સારવાર માટે જે બાળકો આવે છે તે પૈકી 45 ટકા જેટલા બાળકોને એડમિટ કરી અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે. એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળી રહી છે, સપ્ટેમ્બર મહિનામાં 2100 જેટલા બાળકો ઓપીડીમાં આવ્યા હતા, જે પૈકી 994 જેટલા બાળકોને દાખલ કરવા પડયા છે, એ જ રીતે ઓક્ટોબર મહિનામાં બે સપ્તાહમાં 624 જેટલા બાળકોને દાખલ કરી સારવાર આપવી પડી છે, આ અરસામાં ઓપીડીમાં 1300થી વધુ બાળકો નોંધાયા છે.
આમ દોઢ મહિના જેટલા અરસામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 1,618 બાળકો એડમિટ થયા છે.
સૂત્રો કહે છે કે, ઓક્ટોબર મહિનાના બે સપ્તાહમાં સોલા સિવિલમાં 106 જેટલા ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતા, જે પૈકી 49 બાળકો સામેલ છે. હોસ્પિટલના સૂત્રો કહે છે કે, ઓપીડીમાં સારવાર માટે જે બાળકો આવે છે તે પૈકી 45 ટકા જેટલા બાળકોને એડમિટ કરી અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે, જોકે રોગચાળામાં સોલા સિવિલમાં સદ્નસીબે એકેય દર્દીનું મોત થયું નથી, તેમ હોસ્પિટલ સૂત્રો જણાવી રહ્યા છે. કોરોનાનો કેર અટક્યો પરંતુ રોગચાળાના કેસ વધ્યા છે,
બીજી તરફ અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, વાઈરલ ઈન્ફેક્શન, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ સહિતના કુલ કેસોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે, એક મહિના પહેલાં શહેરની 30 ખાનગી હોસ્પિટલોમાં સપ્તાહે 1500 કેસ આવતાં હતા, જે ઘટીને 750 આસપાસ થયા છે.