ભારત સરકાર દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ માટે દેશની ૧૪ હજાર આઈટીઆઈમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૧ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરવામાં આવી છે જેમા ગુજરાતના ચાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો સમાવેશ થયો છે જે ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે. સુરેન્દ્રનગર આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર શ્રી દીપકકુમાર રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. એટલુ જ નહિ, પ્રથમવાર કોલ સેન્ટરના માધ્યમથી રાજ્યનો કોઇપણ યુવાન જીલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરી અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી મેળવી શકે તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા “રોજગાર સેતુ” પ્રોજેકટ શરૂ કરાયો છે. અત્યાર સુધીમાં ૮૧,૬૧૫ યુવાનોએ આ સેવાનો લાભ લીધો છે. વિભાગના આ પ્રકારના વિવિધ પ્રયાસોથી દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ઉપરાંત રાજ્યનો બેરોજગારી દર પણ અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી નીચો છે.
સૌના જીવનમાં શ્રમ અને કૌશલ્ય બંનેનું મહત્વ છે. વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્ર બને છે. શ્રમ અને રોજગાર વિભાગના શિરે આ વ્યક્તિ ઘડતરની જવાબદારી છે. રાષ્ટ્રના કૌશલ્ય યુવાનોને ગૌરવપૂર્ણ રોજગારીની તકો ઊભી કરવી સરકારની પ્રાથમિક જવાબદારી છે. શ્રમ-રોજગાર ક્ષેત્ર વધુ સુદઢ અને સરળ બને તેવી નવી ઘણી જ ભવિષ્યલક્ષી યોજનાઓ રાજ્યની પ્રગતિશીલ સરકાર દ્વારા ઘડવામાં આવી છે. તેમજ ભવિષ્યના સમયમાં પણ સ્કીલ્ડ કે સેમી-સ્કીલ્ડ ઉમેદવારોને યથા-યોગ્ય કામ મળી રહે તે પ્રમાણેના બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આવેલી કુલ ૫૯૫ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ ખાતે ૭૭ રાષ્ટ્રીય કક્ષાના તથા ૪૯ રાજ્ય કક્ષાના ટ્રેડમાં રાજ્યના તાલીમ અપાઈ રહી છે. રાજ્યના સર્વાંગી વિકાસમાં, ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવામાં શ્રમ અને રોજગાર વિભાગનું મહત્વનું પ્રદાન છે.
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયોરશિપ ડીપાર્ટમેન્ટ દ્વારા દેશની ૧૪,૦૦૦ આઈટીઆઈમાંથી શ્રેષ્ઠ કામગીરી અંગે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને કૌશલાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. કૌશલાચાર્ય એવોર્ડ માટે દેશભરમાંથી માત્ર ૧૧ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના જ ચાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પસંદગી થવા પામી છે જે ગૌરવની બાબત છે. ગુજરાતના ચારેય સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમા સુરેન્દ્રનગર આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર શ્રી દીપકકુમાર નારાયણભાઇ રાઠોડે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું અને સુરેન્દ્રનગર આઈટીઆઈનું ગૌરવ વધાર્યુ છે. તે ઉપરાંત રાજકોટ આઈટીઆઈના ઇલેક્ટ્રિશીયન ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર શ્રી દીનેશભાઈ બી ઠકરાર, વડોદરા તરસાલી આઈટીઆઈના ફીટર ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર શ્રી કંચન ટી વસાવા અને વડોદરા દશરથ આઈટીઆઈના ડીઝલ મિકેનિકલ ટ્રેડના સુપરવાઇઝર ઇસ્ટ્રકટર શ્રી બિપીનભાઇ ટી કાશવાલા એમ મળી કુલ ચાર સુપરવાઇઝર ઇસ્ટ્રકટર એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તા ૧૭-૦૯-૨૧ના રોજ નવી દિલ્હી ખાતે વર્ચુઅલ પ્રોગ્રામ યોજી ગુજરાતમાં NIC સેન્ટર, અમદાવાદ ખાતે કૌશલાચાર્ય એવોર્ડ ૨૦૨૧ એનાયત કરાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થાય તથા યુવાનોને રોજગારી-અભ્યાસલક્ષી મુંઝવતા પ્રશ્નોનુ ત્વરિત નિરાકરણ આવે તે આશય સાથે “રોજગાર સેતુ” કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. રાજ્યનો યુવાન ટેલિફોનીક માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી મેળવી શકે તે માટે “રોજગાર સેતુ” પ્રોજેકટ જાન્યુઆરી-૨૦૨૧થી શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં પ્રથમવાર કોલ સેન્ટરના માધ્યમથી રાજ્યનો કોઇ પણ ઉમેદવાર જીલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરે છે. આ સુવિધા ફક્ત એક સિંગલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરવાથી ઉપલબ્ધ કરાવાઇ છે. જાન્યુઆરી-૨૧ થી અત્યાર સુધીમાં ૮૧,૬૧૫ યુવાનોએ આ સેવાનો લાભ લીધો છે.
“રોજગાર સેતુ” પ્રોજેકટના પરિણામલક્ષી માધ્યમ દ્વારા તથા મહતમ યુવાનોને મળેલા માર્ગદર્શનના ફળસ્વરૂપે યુવાનો યોગ્ય રોજગારી મેળવવા સક્ષમ બન્યા. રાજ્યભરના વિવિધ કાર્યક્રમો હેઠળ સરકારી વિભાગોમાં વિવિધ સંવર્ગમાં પસંદગી પામેલા તથા રોજગાર કચેરીઓ દ્વારા યોજાતા ઓનલાઈન ભરતી મેળામાં ખાનગીક્ષેત્રમાં પસંદગી પામેલા ઉમેદવારોનો સમાવેશ કરી કુલ ૫૭,૬૩૬ યુવાનોને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા. જેમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મહતમ ૩૧,૦૮૪ યુવાનોને નિમણુકપત્રો આપવામાં આવ્યા છે.
રોજગાર કચેરીઓ મારફતે રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળથી પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૮ માટે રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમાં આપેલ ૪ લાખ અને ૪ હજાર યુવાનોને રોજગારીમાંથી ગુજરાત રાજ્યએ ૩ લાખ ૪૨ હજાર યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યુ છે. એટલુ જ નહિ, ગુજરાતનો બેરોજગારીનો દર પણ અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી નીચો છે. ભારત સરકારના આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળથી પ્રસિદ્ધ થયેલ જુલાઈ-૨૦૧૯ થી જુન-૨૦૨૦ સમયગાળામાં હાથ ધરાયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે જયારે ગુજરાતમાં માત્ર ૨.૦ ટકા જ છે જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.