રાજ્યમાં એસીબીની સક્રિયતાને કારણે એક પછી એક લાંચિયા બાબુઓ સામે કડક કાર્યવાહી થઇ રહી છે. જેમાં આજે ફટાકડાના લાયસન્સ મુદે મામલતદાર કચેરીના અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. જામનગરના મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય બીજી વખત લાંચ લેતા ઝડપાયા છે. જેથી અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.
મામલતદાર કચેરીના આ અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી ACBએ ઝડપી પાડ્યા છે. ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય માટે 10 હજાર રૂપિયાની લાંચ લેવાઇ હતી.
આ અધિકારીને રંગે હાથ ઝડપવા માટે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડીકોયરની મદદ લેવામાં આવી હતી. આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને ડિકોયર પાસે લાઈસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂપિયા 10 હજારની માંગ કરી હતી. જેમની પાસેથી આ રકમ રિકવર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચેતન ઉપાધ્યાય અગાઉ દરબારગઢ ઝોનલમાં ફરજ બજાવતા હતા, તે સમયે પણ તેઓ એસીબીના છટકામાં આવી ચુક્યા છે, ફરીથી તેઓને નોકરીમાં લેવામાં આવ્યાં અને ફરી પણ તેમને લાંચ લીધી અને ઝડપાઇ ગયા છે. એસીબીએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.