મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ શ્રીયુત જુર્ગેન મોરહર્દે ગાંધીનગરમાં લીધી હતી
જર્મન એમ્બેસેડરશ્રીએ ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વેપાર-વણજના સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટને પરિણામે ૧૦ ઉપરાંત જર્મન કંપનીઓ અહિં કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પૂના, હૈદ્રાબાદ, બેંગાલુરૂ જેવા સ્થળોને બદલે અમદાવાદ-ગુજરાતમાં બિઝનેસ-કારોબાર વિકસાવવાની જર્મન કંપનીઓ-ઉદ્યોગોના રવૈયામાં રાજ્યની એફિસીયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરસ્પરના સહયોગથી બિઝનેસ રિલેશન્સ આગળ વધારવાની નેમ વ્યકત કરતાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન કહ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગ ગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે.
એટલું જ નહિ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌના સાથે સૌના વિકાસના મંત્રથી જે ઇન્કલુઝિવ ડેવલપમેન્ટની દિશા વિશ્વને બતાવી છે તેમાં પણ ગુજરાત-જર્મની સાથે મળી સિમાચિન્હ રૂપ કામગીરી કરી શકે તેમ છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, કેવડીયા જેવા આદિજાતિ વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીશ્રીના આગવા વિઝનથી વિશ્વ પ્રવાસન સ્થળનું નિર્માણ થઇ શકે તેની પ્રત્યક્ષ અનૂભુતિ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતથી તેમને થશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ જર્મન ઉદ્યોગ કંપનીઓ, તાલીમ સંસ્થાઓની સહભાગીતાની સંભાવનાઓ પર ફોકસ કરવા પણ પરામર્શ કર્યો હતો.
જર્મનીના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલે ઇન્ડો-જર્મન ટુલરૂમ અમદાવાદમાં કાર્યરત છે અને જર્મન કંપનીઓને અનુરૂપ કુશળ માનવબળ માટે વોકેશનલ ટ્રેનિંગ આપી શકાય તેમ છે તેની ભૂમિકા આ સંદર્ભમાં આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં જર્મનીને પાર્ટનર કંટ્રી તરીકે જોડાવાનું નિમંત્રણ પણ પાઠવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટરૂપે આપી હતી.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમરાની પણ ઉપસ્થિત રહ્યા હતા.