લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયામાં તા.૩૧ મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી થવાની છે.
જેના ભાગરૂપે દેશના જુદા-જુદા રાજયોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આજે કેવડિયા કોલોની ખાતે બાઇક-સાઇકલ રેલી સ્વરૂપે આવી પહોંચતા ગુજરાત પોલીસ વિભાગ તરફથી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસશ્રી રાજુ ભાર્ગવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિહ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઈ વસાવા સહિત અન્ય પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા કેવડીયા રેલ્વે સ્ટેશન-એકતા દ્વાર પાસે દેશભક્તિના ગીતોની ધૂન અને સંગીતની સૂરાવલિઓ સાથે રાષ્ટ્રીય ભાવનાના અનોખા માહોલમાં ભવ્યાતિભવ્ય સ્વાગત આવકાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાની બાલિકાઓએ પણ તમામ સુરક્ષા જવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતું.
કેવડીયા રેલ્વે સ્ટેશન- એકતા દ્વાર ખાતે આજે બપોરે પશ્ચિમ ભારતમાંથી બીએસએફ અને બીઓપી રાયથનવાલા-બિકાનેર રાજસ્થાનથી ૭૨૩ કિલોમીટરની સાયકલ રેલી, ઉત્તર દિશામાંથી આઈટીબીપી-લડાખના સશસ્ત્ર દળના જવાનો ૨૭૯૩ કિલોમીટરની સાયકલ રેલી, પૂર્વ દિશામાં એસએસબી, ભૂતાન બોર્ડર, જયગાવ પશ્ચિમ બંગાળથી ૨૩૪૭ કિલોમીટર લાંબી કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનોની સાયકલ રેલી, જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ -ગઢચિરોલી-મહારાષ્ટ્રના જવાનોની ૮૬૩ કિલોમીટરની સાયકલ યાત્રા આજે કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં કેવડિયા ખાતે આવી પહોંચી હતી. જ્યાં આ તમામ જવાનોનું સ્વાગત કરાયું હતું.
તેવી જ રીતે ભારતની ચારે દિશાઓમાંથી જમ્મુ કાશ્મીર પોલીસ, તામિલનાડુ પોલીસ, ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસના જવાનોની પણ જે તે વિસ્તારમાંથી આરંભાયેલી મોટર સાયકલ રેલીઓ પૈકી ઉત્તર દિશામાંથી જમ્મુ કાશ્મીરથી પોલીસની ૨૫૩૬ કિલોમીટરની મોટર સાયકલ રેલી, પૂર્વ દિશામાંથી ત્રિપુરા પોલીસની સબરૂમથી શરૂ થયેલી ૩૧૧૮ કિલોમીટરની મોટર સાયકલ રેલી, દક્ષિણથી તામિલનાડુ પોલીસની કન્યાકુમારીથી નિકળેલી ૨૦૮૫ કિલોમીટરની મોટર સાયકલ રેલી અને દેશના પશ્ચિમ ભાગમાંથી ગુજરાત પોલીસની કચ્છના લખપતથી નિકળેલી ૧૧૭૦ કિલોમીટરની મોટર સાયકલ રેલી પણ આજે કેવડિયા ખાતે આવી પહોંચતા તમામ બાઇક- સાયકલ રેલીના જવાનોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરી કેવડીયા નગરીમાં તેમને ભવ્યાતીભવ્ય આવકાર અપાયો હતો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની ચારે દિશાઓમાંથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો ગુંજતો કરવા માટે યોજાયેલી ઉક્ત બાઇક-સાયકલ રેલીઓ પૈકી મહારાષ્ટ્ર, તામિલનાડુની સીઆરપીએફ અને કેરાલાની સીઆઇએસએફ વગેરેની બાઇક-સાયકલ રેલી નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં વડીયા જકાતનાકા પાસે આજે આવી પહોંચતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કિરણભાઈ વસાવા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પોલીસ કર્મીઓ અને શાળાની બાળાઓ સહિત સૌ કોઈએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ત્યાંથી આ બાઈક-સાયકલ રેલી કેવડિયા ખાતે આવી પહોંચી હતી.