ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાયેલા કાઉન્સિલર અંકિત બારોટને કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિમણૂક આપવામાં આવી છે. શહેરી વિસ્તારના લોકો ઉપયોગી કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ અર્થે તે પક્ષની વિચારધારાને અનુરૂપ અંકિત બારોટ ની નિમણૂક કરાઇ છે. જેને લઇ ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કૌશિક શાહ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર અંકિત અશ્વિનકુમાર બારોટને ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે. અંકિત બારોટ ની નિમણૂક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોહિતમાં પ્રજાલક્ષી કામો માટે આગામી સમયમાં અંકિત બારોટ વિરોધ પક્ષની ભૂમિકામાં જોવા મળશે.
અંકિત બારોટ વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૮ સુધી એનએસયુઆઇના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.આ ઉપરાંત વર્ષ ૨૦૦૯ /૧૦ માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ રહેલા છે. ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી યુથ કોંગ્રેસ ગુજરાત સ્ટેટ જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ નિભાવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ટર્મથી ગાંધીનગર મહાનગર પાલિકામાં કાઉન્સીલરની ભૂમિકા પણ ભજવી રહ્યા છે.