પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘૨૦૨૨માં મારે ચૂંટણી લડવી કે નહીં તે પક્ષ નક્કી કરશે.’ વર્ષ ૨૦૨૨ની ચૂંટણી બાદ પણ પાટીદાર સીએમ હશે કે નહીં તે મુદ્દે પણ નીતિન પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો.
નીતિન પટેલે જણાવ્યું કે, ‘૨૦૨૨માં પાટીદાર સીએમ હશે કે કેમ તે તો જે તે સમયે નક્કી થશે. પરંતુ પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો.’
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં ઉમિયા ધામના ભૂમિ પૂજન સમારોહ દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.
જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે ભરપેટ વખાણ કર્યા હતાં. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલમાં ખૂબ વિનમ્રતાવાળા છે. તેમના જેવા વિનમ્ર વ્યક્તિ મેં મારી ૪૦ વર્ષની રાજકીય કારકિર્દીમાં જાેયા નથી. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદની ગરિમા વધારે તેવાં વ્યક્તિ છે. નીતિન પટેલે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર એક પછી એક ઘણાં સારા કાર્યો કરી રહી છે. ત્યારે આ તમામ સારા કામોનો જશ ભૂપેન્દ્ર પટેલને મળે તેવી મારી ઇચ્છા છે.