રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, શરીર સ્વાસ્થ્ય સારૂ હોય માત્ર સુખરૂપ જીવનની નિશાની છે, પણ પોતાના કર્મો દ્વારા લોકોના હ્રદયમાં કાયમ માટે રહેવું એ સદાકાળ જીવંત રહેવાની નિશાની છે. આવા કર્મશીલ, અભય અને પરગજુ સજ્જનો મૃત્યુ બાદ પણ અમર રહે છે. તેમનું જીવન સાર્થક છે.
સ્વાતંત્ર્ય સંગ્રામની વિરાંગના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઇ જન્મ તિથિ નિમિત્તે અહીં આત્મીય બિલ્ડકોન દ્વારા વિવિધ પ્રોજેક્ટની ઘોષણા સાથે મહારાણી લક્ષ્મીબાઇ વંશજનું બહુમાન સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રાજ્યપાલશ્રીએ ઉક્ત બાબતે જણાવ્યું કે, દેશને આઝાદી મળી એ સમયગાળામાં ૫૬૨ રજવાડાઓનું શાસન હતું. એમાં ઘણા રાજવીઓ ભલા અને ઉમદા ઇન્સાન હતા. પણ, જે રાજવીઓએ પ્રજાજનોના દિલમાં શાસન કર્યું તેવા રાજવીઓને આજેય પણ લોકો યાદ રાખે છે. એમાંથી એક હતા ઝાંસીની રાણી. તેમની વીરતાઓની ગાથાઓ આજે પણ ગાવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામ છેડતા પહેલા મેં અપની ઝાંસી નહીં દુંગી, એ નારો અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. તે ગુલામી નહીં સ્વીકારવાનો અને બલીદાનનો નારો હતો. અંગ્રેજોના શાસનકાળમાં મહિલાઓની સ્થિતિ દારુણ હતી. મહિલાઓનું સ્થાન માત્ર ઘરમાં જ હતું. તેવા સમયે મહારાણી લક્ષ્મીબાઇએ અંગ્રેજો સામે સંગ્રામ કર્યો, એ પણ મહિલા સશક્તિકરણની મોટી કથા છે. તેમણે ભારત વર્ષની નારીઓનું ગૌરવ વધાર્યું હતું. આવા વ્યક્તિત્વ જ ઇતિહારમાં અમર થઇ જાય છે. તે સાર્થક રીતે જીવ્યા છે અને નવી પેઢીને બોધ આપતા રહે છે.
સામાજિક ઉત્થાન અને સમાજ સેવામાં સંતોના યોગદાનની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગુરુજનોઓ અને સંતો માનવીના જીવનને સરળ અને સહજ બનાવે છે. ગરીબો માટે ક્ષુધાતૃપ્તિનો યજ્ઞ, ગરીબ અને અનાથ બાળકો માટે શિક્ષણ અને અનાથ યુવતીઓના કન્યાદાન સહિતની પ્રવૃત્તિ સંતોમહંતો દ્વારા કરવામાં આવે છે. કોરોનાકાળમાં રાજભવન દ્વારા એક લાખ રાશન કિટ્સ પહેલી હરોળના કોરોના લડવૈયાઓ માટે મોકલાવવામાં આવી હતી. જેમાં સંતોએ પણ યોગદાન આપ્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ એમ પણ કહ્યું કે, ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં આપણે વધુ પડતા રાસાણિક ખાતરો, જંતુનાશક દવાઓના ઉપયોગથી ધરતીને ઝેરી બનાવી દીધી છે. આવી ઝેરી ધરતીમાં પાકતા ધાન્યોથી આપણા આરોગ્ય ઉપર ખતરો ઉભો કર્યો છે. દવાખાનાઓ અને તબીબોની સાથે દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે. આની પાછળ એક મુખ્ય આપણી આહારશૈલી પણ છે. આ બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા હવે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લાને સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી સંદર્ભે દેશી ગાયના પાલનપોષણ માટે પ્રતિ માસ રૂ. ૯૦૦ની સહાય કરવામાં આવી છે.
શહેરીજનોને અપીલ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ખેડૂતો શુદ્ધ શાકભાજી, ધાન્ય પકવે છે, ત્યારે તે ખરીદી તેને આહારમાં લેવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આપણે જેમ ફેમિલી ડોકટર રાખીએ છીએ, તેમ હવે ફેમિલી ફાર્મર રાખવાનો સમય આવી ગયો છે. રસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને જ આપણે કુદરતી સંપદાનું રક્ષણ કરી શકશું. તેમ તેમણે અંતે જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇતિહાસને પુસ્તકમાંથી બહાર કાઢી જમીન ઉપર ઉતાર્યો છે. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઇ જેવા અનેક વીરો, વિરાંગનાઓને થકી આવનારી પેઢીને ઇતિહાસ બોધ મળી રહે એ માટે સ્મારકોના નિર્માણ કર્યા છે.
ઝાંસીની રાણીને મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ ગણાવતા મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, આપણા, આચારમાં, વાણી અને વ્યવહારમાં મહિલાઓનું માનસન્માન હોવું જોઇએ. તેમણે રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી અંગેની યોજનાની સમજ આપી હતી.
મહારાણી લક્ષ્મીબાઇના છઠ્ઠી પેઢીના વંશજ શ્રી યોગેશ અરુણલાલ ઝાંસીવાલાએ ગુજરાતમાં તેમને મળેલા માનસન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સ્વાતંત્ર્ય સંગ્રામની વિગતો આપી હતી.
પ. પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય અને શ્રી ગુરુપ્રસાદ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. જ્યારે, જાણીતા કટાર લેખક અને વક્તા શ્રી જય વસાવડાએ સ્વાતંત્રતા સંગ્રામ ઉપર રસપ્રદ પ્રવચન આપ્યું હતું. કલાકાર શ્રી ભરતદાન ગઢવીએ ગીતો પ્રસ્તુત કર્યા હતા. મહાનુભાવોને ચાંદીના સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કે. બી. કથીરિયા, સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, આત્મીય ફિલ્ડકોનના શ્રી ભાવેશ સુતરિયા, આણંદ પાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, કરમસદ પાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઇ પટેલ, આત્મીય ફિલ્ડકોનના શ્રી ચેરમેન શ્રી તુલસીભાઇ પટેલ, અગ્રણી શ્રી સુનિલભાઇ પટેલ, શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી દિલીપભાઇ દેશમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા