રાજ્યભરમાં આજથી કોવિડ પ્રોટોકોલ સાથે પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૫ના વર્ગોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આજે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગાંધીનગર સ્થિત બોરીજ ગામની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાએ પધારેલા ભૂલકાઓને મંત્રીશ્રીએ કંકુ તિલક કરી વધાવ્યા હતા. સાથોસાથ મંત્રીશ્રીએ ધોરણ ૧ થી ૫ ના દરેક વર્ગખંડની મુલાકાત લઈ શાળામાં અભ્યાસ અર્થે આવેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ કોરોનાની નિયત SOPનું ચુસ્ત પાલન અંગે શાળામાં નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહી એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમા આજથી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૫ ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ભૂલકાઓના ભણતરની આ પહેલમાં શિક્ષણ વિભાગની સીધી દેખરેખ રહેશે. નાનકડા બાળકોની કુમળી વયને નજર સમક્ષ રાખીને તમામ તકેદારીના પગલાંઓ સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળકની હાજરી મરજિયાત રહેશે, જે વાલીઓની સંમતિ હશે એમના બાળકોને જ શાળામાં શિક્ષણ અપાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ નિયત એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને સરકારી શાળાઓમા આચાર્યશ્રીઓએ તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે વિશેષ તકેદારી રાખવાની રહેશે.