બાળકો કુપોષિત ન રહે, બાળકો સ્વસ્થ જીવન જીવે, કુપોષણને હરાવવું છે ફલાણાં ફલાણાં જેવા વિવિધ કાંને સાંભળે સારા લાગે તેવા શબ્દો નેતાઓના મોંઢે સાંભળ્યા હશે. ગુજરાત સરકારે એક નિર્ણય કર્યો કે આંગણવાડીમાં બાળકોને અઠવાડિયામાં બે વાર, સોમવાર અને ગુરુવારે નાસ્તામાં ફ્રુટ આપવું. જોકે નિર્ણય સાંભળે સારો લાગે પરંતુ બીજી જ ઘડીએ એ પણ જાણી લો કે બાળકોને ફ્રુટ ખાવા માટે બાળક દીઠ 1 રૂપિયો ફાળવવામાં આવ્યો છે. હવે, એક રૂપિયામાં કયું ફ્રુટ બાળકને પોષણ આપી શકે. આજે સફરજન, કેળા, પપૈયાના ભાવ આસમાને છે. 1 રૂપિયામાં કોઈ ફેરિયોય એક કેળું પણ ન આપે તેવી સ્થિતિમાં રુપાણી સરકારનો આ નિર્ણય મઝાક સમાન બન્યો છે.
રાજ્ય સરકાર દ્વારા બાળકો માટે કરવામાં આવેલી 1 રૂપિયાની ફાળવણી બાળ બુદ્ધી જેવો નિર્ણય કહી શકાય તેવો બન્યો છે. આજે માર્કેટમાં સફરજન, ચીકું, સિતાફળ, પાઈનેપલ ખરીદવા હોય તો કિલો દિઠ 50થી 100 જેટલો ભાવ થાય એમાંય ક્વોલિટી મુજબ ભાવ અલગ અલગ રહે છે. હવે એક બાળક દીઠ એક રુપિયો હોય તો થોડું ફ્રુટ લઈ બાળકોને કાપી કાપીને ટુકડા આપવા પડે, તો પછી પોષણ ક્યાં ગયું તેવો પણ સવાલ ઊભો થાય.
ગુજરાત સરકારે સપ્તાહમાં બે વાર સાપ્તાહિક મેનુંમાં ફ્રૂટ આપવાનો નિર્ણય કર્યો જેનો પરિપત્ર યુસીડી વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બાળકોને ફ્રૂટ આપવાની વાત લખવામાં આવી છે સાથે જ બાળક દીઠ એક રૂપિયો પણ ફ્રૂટ ખાવા માટે ફાળવવામાં આવ્યો છે. એક આંગણવાડીમાં અંદીજીત મોટા ભાગે 30થી 35 બાળકો હોય છે ત્યાં પરિપત્ર મુજબ 30થી 35 રૂપિયા તેમને મળે છે. આમ હાલ તો સંચાલકો બાળકોને થોડું થોડું આપે છે પરંતુ બાળકોના આટલાથી પેટ પણ ન ભરાય પોષણ તો દૂરની વાત રહી. બાળકોને પ્રસાદી જેટલું ફ્રૂટ આપીને કુપોષણ દૂર કરવા નિકળેલી સરકારના આ નિર્ણયને કારણે સરકારને ઠેરઠેર ધિક્કારાઈ રહી છે. હજુ તો આંગણવાડીઓમાં અનાજ-કઠોળ સમયસર પહોંચતા ન હોવાની બુમો તો ચાલું જ છે.