કાલાપાની નેપાળ, ભારત અને તિબેટની વચ્ચેનું ટ્રિજંકશન છે. અહીંથી ભારતને તાત્કાલિક પોતાના સૈનિકોને ખસેડી લેવા જોઇએ તેમ નેપાળમાં વધતા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કે પી ઓલીએ જણાવ્યું છે. કે પી ઓલીએ વધુમાં જણાવ્યું છે કે કાલાપાની નેપાળનો ભાગ છે. આ પ્રથમ વખત છે કે જ્યારે નેપાળના વડાપ્રધાનના ભારતના નવા સત્તાવાર નકશાથી ઉત્પન્ન થયેલા વિવાદ અંગે જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. ભારતને નવા નકશામા કાલાપાનીને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. કાલાપાની નેપાળના પશ્ચિમી છેડા પર આવેલું છે. વડાપ્રધાન કે પી ઓલીના નિવેદન અંગે ભારતે અત્યાર સુધી પ્રતિક્રિયા આપી નથી. જો કે ભારતે જણાવ્યું છે કે નેપાળ સાથે જોડાયેલી સરહદ પરના નકશામાં કોઇ ચેડાં કરવામાં આવ્યા નથી. રવિવારે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના યૂથ વિંગ નેપાળ યુવા સંગમને સંબોધિત કરતા કે પી ઓલીએ જણાવ્યું હતું કે, અમે લોકો અમારી એક ઇંચ જમીન પણ કોઇના કબજામાં રહેવા નહીં દઇએ. ભારત અહીંથી તાત્કાલિક પોતાના સૈનિકો હટાવે.
જો કે નેપાળના વડાપ્રધાને એ સલાહને ફગાવી દીધી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે નેપાળને એક સંશોધિત નકશો જારી કરવો જોઇએ. ઓલીએ જણાવ્યું હતું કે ભારત અમારી જમીન પરથી સેના ખસેડી લેશે તો અમે આ અંગે તેની સાથે વાત કરીશું. કાલાપાનીને ભારતના નકશામાં દેખાડવા અંગે નેપાળમાં એક સપ્તાહથી દેખાવો થઇ રહ્યાં છે. આ અંગે સત્તાધારી પક્ષથી લઇને વિપક્ષ એક છે. નેપાળના વિદેશ મંત્રાલયે છ નવેમ્બરે એક નિવેદન જારી કર્યુ હતું અને જણાવ્યું હતું કે કાલાપાની નેપાળનો હિસ્સો છે. નેપાળના અિધકારીઓના જણાવ્યા અનુસાર ભારતે 1962માં ચીન સાથેના યુદ્ધ પછી પોતાની તમામ સરહદ ચોકીઓને નેપાળના ઉત્તરી બેલ્ટથી ખસેડી લીધી હતી પણ કાલાપાનીથી નહીં. કાલાપાની ઉત્તરાખંડના પિથૌડાગઢ જિલ્લામાં 35 વર્ગ કિલોમીટર જમીન છે. અહીં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાન તૈનાત છે. ભારતીય રાજ્ય ઉત્તરાખંડથી નેપાળથી 80.5 કિલોમીટર સરહદ લાગે છે અને ચીન સાથે તેની 344 કિલોમીટરની સરહદ જોડાયેલી છે. કાલી નદીનું ઉદગમ સ્થાન કાલાપાની છે. ભારતે આ નદીને પણ નવા નકશામાં સામેલ કરી છે. 1816માં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે સુગૌલી સંધિ થઇ હતી. તે સમયે કાલી નદીને પશ્ચિમી સરહદ પર ઇસ્ટ ઇન્ડિયા અને નેપૈાળની વચ્ચે રેખાંકિત કરવામાં આવી હતી. 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ભારતીય સેનાએ કાલાપાનીમાં ચોકી બનાવી હતી. નેપાળે દાવો કર્યો છે કે 1961માં એટલે કે ભારત-ચીન યુદ્ધથી પહેલા નેપાળે અહીં વસ્તીગણતરી કર હતી અને ભારતે તેનો વાંધો ઉઠાવ્યો ન હતો. નેપાળના જણાવ્યા મુજબ કાલાપાનીમાં ભારતની હાજરી સુગોલી સંધિનો ભંગ છે.