ગુજરાતનું એક એવું તંત્ર છે, જેમાં રસોઇયાથી લઇને અનેક મધ્યાહન કર્મચારી તરીકે જાેડાયેલા કર્મીઓનો પગાર જે રોજના ગણવામાં આવે તો શ્રમજીવી કડીયા કરતાં પણ વેતન નીચું છે, કામ કરે તેને કમકાણ, ન કરે તે ન્યાલ, જેવો ઘાટ છે, આશરે ૯૪ હજાર કર્મીચારીઓનું ગુજરાતમાં સંગઠન છે. અનેક રજુઆતો કરવા છતાં તંત્ર કે સરકારનું પેટનું પાણી ન હાલતાં ઉપવાસ આંદોલનની માંગ કરવા છતાં મંજૂરી મળતી નથી. ગુજરાતમાં આશાવર્કર, હોમગાર્ડ, આંગણવાડી હેલ્પર, એલઆરડી જવાન, જીઆરડી જવાન કર્મીઓને પગારમાં વધારો જાેવા મળ્યો છે, પણ કૂપોષીત બાળકોને ગામે-ગામ, અને શહેરોમાં ભોજન જમાડે છે તે મધ્યાહન ભોજનના કર્મીઓ પોતાના પરીવારને ભરપેટ જમાડી શકતા નથી,
પ્લમ્બર, કડીયાથી પણ નીચી મજુરીનું વેતન છતાં તેમની માંગણી સંદર્ભે તંત્ર હાલ ચુપ બેઠું છે, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્રભાઇ પટેલને પણ રજુઆત કરવામાં આવી છે, ત્રણ મુખ્યમંત્રી બદલાઇ ગયા છતાં આ કર્મીઓના પગાર વધારાનો મુદ્દે કોણીએ ગોળ લગાડવા જેવી સ્થિતી સર્જી છે, કેટલાય વર્ષોથી વેતન વધ્યું નથી, ત્યારે તેમની માંગણી સંદર્ભે આવનારા દિવસોમાં આંદોલન કરવા કર્મચારીઓ તત્પર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.