મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોમાં ‘હવે ગરીબીમાં નથી જ રહેવું’ એવું સ્વાભિમાન અને નવી શક્તિ આપ્યા છે
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ-દરિદ્રનારાયણને ગરીબીમાંથી બહાર લાવી આર્થિક સશક્તિકરણ માટે ર૦૦૯-૧૦થી આ ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે.
તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાઓના ૧૧ તબક્કા દ્વારા ૧પ૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧ કરોડ ૪૭ લાખ દરિદ્રનારાયણ, જરૂરતમંદ લોકોને ર૬ હજાર ૬૦૦ કરોડ ઉપરાંતના સહાય-લાભ હાથોહાથ પહોચાડવામાં આવ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
દાહોદના ગરીબ કલ્યાણ મેળામાં ૬૮પ૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજે ૩૮૦ કરોડના લાભ સહાય આ ૧રમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાથી આપવામાં આવ્યા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની દીર્ઘદ્રષ્ટિથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ કોઇ પર દયા દાન, ઉપકાર કે મદદ નો ભાવ નહિ પણ, જેના હક્કનું છે તેને આપવાનો સેવાયજ્ઞ છે. સાચો રહિ ન જાય અને ખોટો લઇ ન જાય તેની પૂરતી તકેદારી સાથે ગરીબોને શોધી તેમને હાથોહાથ સહાય-લાભ પહોચાડવા સમગ્રતંત્ર પ્રેરિત થયું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ડંકાની ચોટ ઉપર કહ્યું કે, ગરીબોના નામે જેમણે વર્ષો સુધી રાજકીય રોટલા શેક્યા, ગરીબને વોટબેંકની રાજનીતિ જ બનાવી રાખ્યા. તેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અપનાવેલી વિકાસની રાજનીતિની સમજ જ ના હોય. ગુજરાતમાં પાછલા અઢી દાયકાથી અને દેશભરમાં ૨૦૧૪ થી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે.
શ્રી નરેન્દ્રભાઇએ સાચા અર્થમાં ગરીબને સશક્ત કર્યો.
જનધન યોજના, ગરીબ માતા બહેનો માટે ઉજ્જવલા યોજના, ગરીબોને આવાસની પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી સ્વમાનભેર જીવતો કર્યો છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
ભૂતકાળના શાસકોએ આઝાદીના સાડા ૬ દાયકા સુધી ગરીબોને મતપેટીઓ ભરવાનું એક માધ્યમ જ રાખ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગરીબ-વંચિતના ઉત્થાનનું અભિયાન ઉપાડ્યુ અને ગરીબ કલ્યાણ માટે કરોડોનું બજેટ ફાળવ્યું છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં શરૂ થયેલો આ ગરીબ-દરિદ્રનારાયણોના સશક્તિકરણનો સેવાયજ્ઞ-ગરીબ કલ્યાણ મેળા પ્રો-પુઅર ગર્વનન્સના અભ્યાસુ સંશોધકો માટે સફળ કેસ સ્ટડી બની ગયા છે.
પંચાયત રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે, ભુખ્યાજનોન જઠરાગ્નિ ઠારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાના ૧૨ મા તબક્કામાં પણ ગરીબોના ઉત્થાનમા મહત્વના સાબિત થશે. દાહોદ જિલ્લામાં પણ ગરીબોને રૂ. ૩૮૦ કરોડથી વધુના લાભો આ ગરીબ કલ્યાણ મેળા થકી મળશે.
તેમણે ઉમેર્યું કે, રોજગાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહ દરમિયાન દાહોદના ૨૮૮ યુવાનોને રોજગારી મળી છે. જ્યારે જિલ્લામાં યોજાયેલા ૭૨ ભરતી મેળામા ૧૦૦૦ થી વધુ યુવાનોએ રોજગારી મેળવી છે. ઉપરાંત રાજ્યમાં પંચાયત વિભાગની ૧૯ કેડરમાં ૧૩ હજાર જગ્યાઓ ભરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની પણ તમામ જગ્યાઓ ભરવામાં આવી છે.
દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબોના ઉત્થાન માટે સર્વાંગી કલ્યાણકારી પગલાં લેવાઈ રહ્યા છે. નાગરિકોને પડતી અગવડતા નિવારવા માટે તેમણે ૧૨૧ દિવસમાં ૨૦૦ થી પણ વધુ નિર્ણય લઈ વહીવટી સરળતા ઉભી કરી છે. આવકના દાખલાની મુદત વધારવા, સોગંધનામામાંથી મુક્તિ સહિતની બાબતો તેના ઉદાહરણ છે. તેઓ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત ચિંતિત છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વિવિધ સમાજ, સેવાભાવી સંસ્થાઓ, સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં કલેકટર ડો.હર્ષિત ગોસવીએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા દાહોદનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ ૨૬ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.૧૮૭ કરોડના ખર્ચે આઠ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે રૂ. ૪૭૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો પ્રગતિ હેઠળ છે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે દંડક શ્રી રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, શૈલેષભાઈ ભાભોર, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ, પરિક્ષેત્ર નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી. એમ. એસ. ભરાડા, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત લાભાર્થીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.