સુરેન્દ્રનગર શહેરમાં રબારી સમાજના આસ્થાકેન્દ્ર સમાન દુધરેજ વડવાળા મંદિર આવેલુ છે. આ મંદિરના વિકાસ માટે તૈયાર કરાયેલ ડેવલપમેન્ટ પ્લાન સરકારમાં રજુ કરાયો હતો. જેમાં રાજય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા 3 કરોડની ફાળવણી કરાઈ છે. આ રકમમાંથી મંદિરમાં સંતો-મહંતો, યાત્રાળુઓ માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે અખીલ ભારતીય રબારી સમાજના આસ્થાના કેન્દ્ર દુધરેજ વડવાળા મંદિર સુરેન્દ્રનગર શહેરમાં આવેલુ છે.
ધાર્મિક અને પુરાતત્વની દ્રષ્ટિએ મંદિર અનોખુ મહત્વ ધરાવે છે. ત્યારે, મંદિરના વિકાસ માટે મહંત કનીરામબાપુ, કોઠારી મુકુંદરામબાપુ દ્વારા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો હતો. આ પ્લાન જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા દ્વારા રાજય સરકારના પવિત્ર યાત્રાધામ અને વિકાસ બોર્ડમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત બજેટ રજુ કરાયું હતુ. ત્યારે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દુધરેજ વડવાળા મંદિરના વિકાસ માટે રૂપિયા 3 કરોડની તાજેતરમાં ફાળવણી કરાઈ છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ જણાવ્યુ કે, દુધરેજ વડવાળા મંદિરના વિકાસ માટે મંદિરની સાથે રહી સરકારમાં રજુઆત કરાઈ હતી. જેને સફળતા મળી છે અને સરકારે મંદિરના વિકાસ માટે રૂપિયા 3 કરોડની ફાળવણી કરી છે. જયારે આ અંગે દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામબાપુએ જણાવ્યુ કે, મંદિરના મહંત કનીરામબાપુની નીશ્રામાં આ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો હતો. અને જિલ્લા ભાજપના સહયોગથી સરકારમાં રજુઆત કરાતા સરકારે રકમની ફાળવણી કરી છે.
પ્રસાદ માટેનો સ્ટોરરૂમ-20 લાખ, પેવર બ્લોક-40 લાખ, પાર્કિંગ-30 લાખ, બાથરૂમ અને વોટર સંપ-44 લાખ, શૌચાલય-35 લાખ, શેડ-30 લાખ, સાધુ-સંતો માટે વ્યવસ્થા65 ઇલેક્ટ્રિક વર્ક 22 અન્ય સુવિધાઓ 14 લાખ.