GJ-18 મ્યુનિ.ની હદના વિસ્તરણ બાદ કેટલાક વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો શરૂ કરાયા છે, જ્યારે પાટનગર તથા અન્ય ગામોને હથેળીમાં ચાંદ બતાવવા સિવાય કોઈ કામગીરી થઈ નથી. મ્યુનિ. તંત્ર અને સત્તાધિશોની વ્હાલા-દવલાની નીતિ સામે અવાજ ઊઠાવવાની શાસક પક્ષના સભ્યોને વિરોધપક્ષ બને તો નવાઇ નહીં, સોમવારે યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં કેટલાક સભ્યોએ માત્ર એક જ વિસ્તારમાં ઉપરાછાપરી વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાના મામલે ભારોભારવિરોધ નોંધાવ્યો હતો અને પોતાના વિસ્તારની અવગણના થતી હોવાથી મતદારોને જવાબ આપવાનું અઘરું બન્યું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સોમવારે ગાંધીનગર મનપા સ્થાયી સમિતીની બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારમાં વોટર અને ડ્રેનેજ કનેક્શન આપવાની નીતિ નક્કી થઈ હતી. આઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવા સમાવિષ્ટ વિસ્તારો માટે ગત વર્ષના અને ચાલુ વર્ષના કુલ રૂ.૭૪ કરોડના કામ તૈયાર કરવા ર્નિણય લેવાયો હતો. ખોરજમાં રૂ.૧૩.૨૨ કરોડના ખર્ચે સ્યુઅરેજ-વોટર નેટવર્ક, ભાટ-સુઘડમાં રૂ.૧૫.૭૦ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ભાટ, સુઘડ કોટેશ્વરના વિસ્તારોમાં રૂ.૨૫.૧૭ કરોડના ખર્ચે વોટર નેટવર્ક, ઝુંડાલ, અમિયાપુર અને સુઘડમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે રૂ.૧૧.૭૦ કરોડ, ઝુંડાલમાં એસપીએસ પ્લાન્ટ માટે રૂ.૨૧.૨૯ કરોડ, ખોરજમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે રૂ.૧૫.૨૭ કરોડનો ખર્ચ કરવા ર્નિણય લેવાયો હતો.
અગાઉની સ્થાયી સમિતીની બેઠકોમાં પણ ભાટ, સુઘડ, ઝુંડાલ, કોટેશ્વર, ખોરજ જેવા વિસ્તારોમાં કરોડોના ખર્ચે વિકાસ કામો હાથ ધરવા ર્નિણયો લેવાયા હતા. જ્યારે પેથાપુર, વાવોલ, કોલવડા, રાંધેજા જેવા નવા ભળેલા વિસ્તારો અને જૂના ગ્રામ્ય વિસ્તારોની ધરાર અવગણના થઈ હોવાનો આક્રોશ સ્થાયી સમિતીના સભ્યોએ વ્યક્ત કર્યો હતો. ૧થી ૩૦ સેક્ટરમાં તો કોઇ રહેતું જ નથી, ત્યારે જે સભાધીશો હાલ બેઠા છે, તેમાં સૌ ન્યુ GJ-18 ના નવા સમાવિષ્ટ વિસ્તારમાંથી બનેલા છે. ત્યારે ૧ થી ૩૦ સેક્ટરમાં ફદીયું પણ વાપરવામાં આવ્યું નથી, ૧ થી ૩૦ સેક્ટરનો વિકાસ અટકી ગયો જેવો ઘાટ, ત્યારે એ પણ યાદ રાખજાે કે સચિવાલય, સ્વર્ણીમ સંકુલમાંથી જે ગ્રાંન્ટો આવે છે, ૧ થી ૩૦ સેક્ટરને અન્ડર એસ્ટામેન્ટ કરશો તો ભુપેન્દ્ર દાદા ગ્રાંન્ટો આપશે નહીં, ત્યારે ૧ થી ૩૦ સેક્ટરનો વિકાસ હાલ રૂંધાઇ રહ્યો છે. ૪૧ સીટ સાથે ભાજપે જે સત્તા મેળવી અને વિરોધપક્ષ જેવું કશું જ રહેવા દીધું નથી, ત્યારે વિરોધપક્ષ ભાજપમાંથી જ આવનારા દિવસોમાં બનશે તેમાં બે મત નથી, મનપાના ત્રણેય હોદ્દેદારો નવા વિસ્તારના હોવાના કારણે પાટનગરના સેકટરો અને જૂના વિસ્તારોમાં સફાઈની સુવિધા પણ ટલ્લે ચડી હોવાની રજૂઆત સભ્યોએ કરી હોવાનું જાણવા મળ્યું છે. મનપાના નવા મહેકમના માળખાગત અહેવાલમાં કેટલીક વિસંગતતા જણાતા તેને મંજૂરી આપવાનું મોકૂફ રખાયું હતું. કુડાસણ નજીક નેબરહુડ સેન્ટર માટે અનામત રખાયેલી જગ્યા એલઆઈસીની ઓફિસ માટે આપવાનો ર્નિણય પણ મોકૂફ રખાયો હતો.