અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો માટે હેલ્પલાઈનનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ: હેલ્પલાઈન નંબર-૧૪૫૬૬ તથા ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૦૨૧૯૮૯
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો માટે હેલ્પલાઈનનું લોન્ચિંગ કરતા કહ્યું કે, અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને તેમના હકોનું રક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મંત્રી શ્રી પરમારે કહ્યું કે,અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોના હકોના રક્ષણ તથા તેમને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસરૂપે આ હેલ્પલાઈન નંબર – ૧૪૫૬૬ તથા ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૦૨૧૯૮૯ કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો આ હેલ્પલાઇન પર એટ્રોસીટીને લગતી ફરિયાદ કરી શકે છે અને માર્ગદર્શન પણ મેળવી શકે છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી મનીષાબેન વકીલે કહ્યું કે, અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા તમામ રાજયોમાં રાજય કક્ષાએ અત્યાચારનો ભોગ બનેલ અનુ.જાતિ-જનજાતિના નાગરિકો માટે National Helpline Against Atrocities – હેલ્પ લાઇનનું અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર જેવું સેલ્ફ સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો કે જેઓ અત્યાચારનો ભોગ બને છે તેઓને એટ્રોસીટીને લગતી ફરિયાદ અન્વયે એફ.આઇ.આર., ચાર્જશીટ તેમજ મળવાપાત્ર સહાય તેમજ જુદા-જુદા તબક્કે પડતી તકલીફોનું નિવારણ આવશે. આ હેલ્પ લાઇન ૩૬૫ દિવસ ૨૪×૭ ચાલુ રહેશે.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ શ્રી મુરલી કૃષ્ણ, આદિજાતિ વિકાસ કમિશનર શ્રી દિલીપ રાણા, સામાજિક ન્યાય અને અધિકારિતા નિયામક શ્રી બી. પી. ચૌહાણ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.