27મી માર્ચે ભૂમિ પૂજન, કાર અને બાઇક રેલીનું પણ આયોજન.
ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવો દુર્ગાધામ આવી પહોંચશે.
અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક રૂપિયા ૨૫૦ કરોડનાં ખર્ચે બ્રહ્મસમાજ દ્વારા દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે જેનું 27મી માર્ચે ભૂમિપૂજન હોય ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવ આ કાર્યક્રમમાં આવી પહોંચશે.
ઇતિહાસમાં ક્યારેય વિચાર્યું ના હોય એવું કામ બ્રહ્મસમાજ દ્વારા થવા જઈ રહ્યું છે. દુર્ગાધામ વિશે જણાવતા દુર્ગાધામનાં પ્રણેતા એવા ભાવેશભાઈ રાજ્યગુરુએ કહ્યું છે કે, દુર્ગાધામ એક બ્રહ્મનગરી બનશે. 300 વિઘાની વિશાળ જગ્યા પર માત્ર મંદિર જ ૩૧ કરોડના ખર્ચે બનશે અને એક મોટા શહેરની અંદર સુવિધા હોય એવી બધી જ સુવિધાઓ સાથે રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચે દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે. જેના માટે ગુજરાતનાં દરેક જિલ્લા અને તાલુકા લેવલે સંગઠનનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મકાનોનાં ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સૌથી સસ્તા ભાવે 1008 મકાનો સાથે બ્રાહ્મણ પરિવારો માટે ઋષિપુત્રધામ બનવા જઈ રહ્યું છે. એવી જ રીતે સમાજની દીકરી સમાજમાં જ રહે એ માટે દર મહિનાનાં એક રવિવારે પસંદગી મેળો, યજ્ઞો પવિત અને દીકરા-દીકરીઓ માટે એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર IAS, IPS, UPSC, GPSC ટ્રેનિંગ સેન્ટર પણ બનાવાશે જેમાં યુવાનોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે તો દસ હજાર મહિલાઓ માટે રોજગારી પણ ઉભી કરવામાં આવશે. આવું ઘણું બધું દુર્ગાધામમાં બનવા જઈ રહ્યું છે જે માત્ર અને માત્ર બ્રહ્મસમાજ માટે હશે. ત્યારે આવા વિશાળ કામને વધાવી લેવા માટે 27મી માર્ચે ગુજરાત ભરના ભૂદેવોને પધારવા માટે દુર્ગાધામના પ્રણેતા ભાવેશભાઈ રાજ્યગુરુ, ટ્રસ્ટી શ્રી ભૂષણભાઈ વૈષ્ણવ, અશ્વિનભાઇ ઠાકર, નીરજભાઈ દવે દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કાર અને બાઇક રેલીનું આયોજન પણ થશે. આસ્થા સાથે અસ્તિત્વનું ધામ એવું દુર્ગાધામ વિશ્વભરના 15 કરોડ બ્રાહ્મણ પરિવારોનું કેન્દ્રસ્થાન બની રહેશે.
બોક્સ
અમદાવાદથી બપોરે ત્રણ વાગ્યે હજારો યુવાનો કાર અને બાઇક રેલી કાઢશે જે પાંચ વાગ્યે દુર્ગાધામ પહોંચશે. ત્યારબાદ ભૂમિ પૂજન થશે અને દુર્ગાધામ કેવું બનશે તેનું પ્રેઝન્ટેશન દ્વારા પરિચય કરાવાશે. ત્યારબાદ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.