ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા
…………………………………………………………
રૂ. ૨૭ હજાર કરોડના ભ્રષ્ટાચારનાં નાણામાંથી કેટલા કોના કિસ્સામાં ગયા, કેટલા ‘કમલમ્’ માં જમા થયા ? ધારાસભ્યોની ખરીદીમાં કેટલા વપરાયા ? ભાજપ જવાબ આપે : અર્જુન મોઢવાડિયા
…………………………………………………………
રૂ. ૩૭ હજાર કરોડના શહેરી વિકાસ યોજનાની અનામત જમીનો છુટી કરવાની ઘટનાની હાઈકોર્ટના સીટીંગ જજના અધ્યક્ષસ્થાને પંચ બનાવો : અર્જુન મોઢવાડિયા
અમદાવાદ
સુરત શહેરની પૂનરાવર્તીત વિકાસ યોજના-૨૦૩૫માં કોઈપણ કાયદા કે અધિકાર વિના ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મળતીયા અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબનાં ૨૦૧ રીઝર્વેશનોના ૧,૬૬,૧૧,૪૭૬ ચો.મી. જમીનમાંથી ૧૧૨ રીઝર્વેશન હટાવીને ૯૦,૭૯,૩૬૯ ચો.મી. જમીન બિલ્ડર માલીકોને પધરાવીને રૂ. ૨૭ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચારના નાણામાંથી કેટલા કમલમ્ કાર્યાલયમાં જમા થયા, કેટલા કોના ખિસ્સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજના અધ્યપક્ષ્દ હેઠળના કમિશન મારફત કરાવીને જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરી હતી. અર્જુન મોઢવાડિયાએ ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (SUDA-સુડા) કે ૨૦૧૫માં રાજ્ય સરકારે સુડાની હદ વધારીને ૧૦૦ ગામોનો સમાવેશ થતાં કુલ ૧૯૫ ગામો થયેલ. જમીન માલીકોની રજુઆત બાત આ પૈકી ૫૭ ગામોને બાકાત કરતાં સુડાએ કુલ ૧૩૮ ગામોની ૯૮૫ ચો.કિ.મી.ની પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૩૫ તા.૯-૨-૨૦૧૫ના રોજ પ્રસિધ્ધ કરીને વાંધા સુચનો મંગાવેલ હતા. આ સંદર્ભે ૪૧૪૪ વાંધાઓ રજુ થયા હતા. આ વાંધા અરજીઓ બાબતને ધ્યાને લઈને સુડાએ પૂનરાવર્તીત વિકાસ યોજના-૨૦૩૫ને મંજુરી આપવા માટે કાયદા મુજબ રાજ્યના મુખ્ય નગર નિયોજકની કચેરી મારફતે શહેરી વિકાસ વિભાગને સુપ્રત થઈ હતી. આ યોજનામાં કલમ-૭૮ મુજબ જાહેર હેતુઓ માટે ૨૦૧ જાહેર હેતુઓ માટેના રીઝર્વેશન માટે ૧,૬૬,૧૪,૪૭૬ ચો.મી. જમીન રીઝર્વ (અનામત) રાખી હતી.
રાજ્ય સરકારના મુખ્ય નગર નિયોજકશ્રીએ રીંગ રોડ, બુલેટ ટ્રેન, ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ સહિતના મુદ્દાઓ બાબતે સ્પષ્ટતાઓ કરવા માટે સદરહુ ડ્રાફટ વિકાસ યોજનાની દરખાસ્ત શહેરી વિકાસ અધિનિયમની કલમ-૧૭(૧)(a)(ii) મુજબ સુડાને પરત કરીને સ્પષ્ટતાઓ મંગાવવાના અભિપ્રાય સાથેની નોંધ રાજ્યના શહેરી વિકાસ વિભાગે તત્કાલિન મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભળતા વિજય રૂપાણીના કાર્યાલયમાં આપી હતી.
શહેરી વિકાસ અધિનિયમની કલમ-૭૮ મુજબ કાયદા મુજબ રાજ્ય સરકારને રજુ થયેલ ડ્રાફટ યોજનામાં કોઈ ફેરફાર કરવાનો અધિકારો નથી પરંતુ સ્પષ્ટતાઓ મેળવવાના અધિકારો છે. કાયદાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં અને વિભાગીય અધિકારીઓની કોઈ નોંધ વગર જ ભાજપના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ શહેરી વિકાસ વિભાગના પણ મંત્રી પદે હતા. તેઓએ “લોકપ્રતિનિધિઓ (સુરતના) બધા સાથે થયેલ ચર્ચા મુજબ જરૂરી વિગતો મેળવી ઝડપથી રજૂ કરવું” એવા રીમાર્કસની સાથે સુચનાઓ આપી. સુડા, મુખ્ય નગર નિયોજક કે શહેરી વિકાસ વિભાગ તરફથી રીઝર્વેશનોમાં આવતી જમીનોના ક્ષેત્રફળમાં ઘટાડો કરવા કોઈ જ દરખાસ્ત ન હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચના મુજબ સુચિત શહેરી સુવિધાઓમાં ઘટાડો કરીને જમીનોનું રીઝર્વેશન ઘટાડવા માટે સુરત મ્યુનિસિપલ કમિશ્નરના અધ્યક્ષપદે પાંચ અધિકારીઓની એક કમિટિ બનાવીને અહેવાલ મેળવવા માટે ઠરાવ કરવામાં આવ્યો. શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલ ફાઈલમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી કઈ બાબત સાથે સહમત થયા અને કઈ બાબતની વિરૂધ્ધમાં છે તે કરવાના બદલે કન્સલ્ટેટીવ કમિટિ જ બનાવવાની મંજુરી આપી કે જે કમિટિ સરકાર કહે તેમ કરે. સુચિત પૂનરાવર્તીત વિકાસ યોજનાના ટેકનીકલ સલાહકાર તરીકે સુરતની ખ્યાતનામ એન્જીનીયરીંગ કોલેજ “સરદાર પટેલ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-SVNIT” હતી. પરંતુ મુખ્યમંત્રીની સુચનાથી બનેલ “સલાહકાર સમિતિ”એ આ સંસ્થાના એક રહસ્મયી પ્રોફેસર પાસેથી કેટલી શહેરી સુવિધાઓ હોવી જોઈએ તેનું યુધ્ધના ધોરણે “માર્ગદર્શન” મેળવીને શહેરી સુવિધાઓ ઘટાડવાનો અહેવાલ શહેરી વિકાસ વિભાગને સુપ્રત કરી દિધો. હકીકતે સુડાએ SVNITની ભલામણોને આધારે જ શહેરી સુવિધાઓ માટે રીઝર્વેશનો રાખેલ હતા. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અને વિભાગે મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૩૫માં સુવિધાઓ ઘટાડવાની કોઈ ભલામણ ના કરી હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૧૨-૧૧-૨૦૧૯ના રોજ નોંધમાં સહી કરીને કાયદા વિરૂધ્ધ સુડા દ્વારા રજુ થયેલ મુસદ્દારૂપ-૨૦૩૫માં સુચવાયેલ રીઝર્વેશનમાંથી ૫૦% કપાત રાખીને રીઝર્વેશનમાંથી મુકત કરવાની સુચના આપી.
મુસદ્દરૂપ વિકાસ યોજના-૨૦૩૫માં સરકારની મંજુરી માટે રજુ થયેલા ૨૦૧ રીઝર્વેશનોમાં ૧,૬૬,૧૪,૪૭૬ ચો.મી. જમીન સામેલ હતી. પરંતુ માન. મુખ્યમંત્રીની સુચનાથી ૮૯ રીઝર્વેશનોમાં કુલ ૭૫,૩૫,૧૦૭ ચો.મી. રાખવાની સુચના આપવામાં આવી. આમ, કુલ ૯૦,૭૯,૩૬૯ ચો.મી. જમીનને જુદા-જુદા રીઝર્વેશનોમાંથી કાયદાનો ભંગ કરીને મુક્તિ આપીને જમીન માલિક-બિલ્ડરોને ઘી-કેળાં કરી દીધાં. આ જમીનોનો જે તે વખતનો બજાર ભાવ રૂ.૩૦ હજાર થી ૫૦ હજાર પ્રતિ ચો.મી.નો છે. જો બજારભાવ રૂ.૩૦,૦૦૦ પ્રતિ ચો.મી. ગણીએ તો પણ ૯૦,૭૯,૩૬૯ ચો.મી. X રૂ.૩૦,૦૦૦ પ્રતિ ચો.મી.=રૂ.૨૭,૨૩૮ કરોડનો ફાયદો જમીન માલીક – બિલ્ડરોને કરાવી આપ્યો.રીઝર્વેશન કાઢી નાંખતા પહેલાં ટાઉન પ્લાનીંગ એકટ મુજર અહેવાલ મંગાવવો જોઈએ અને અહેવાલને જ મંજુરી આપી શકાય તેવા કાયદાનો પણ સ્પષ્ટ ભંગ થયો છે. મુસદ્દારૂપ યોજના બાબતે જે વાંધા-સુચનો આવેલ હતા. તે બાબતમાં ભાજપની સરકાર કે મુખ્યમંત્રીને કોઈ રસ નહતો એટલે તેનો કયાંય ઉલ્લેખ જ ના કરાયો. મૂળ દરખાસ્તમાં ભવિષ્યમાં શહેરનો ભવિષ્યનો વધતો ઝડપી વિકાસ, શહેરનો વસ્તી વધારાનો દર પણ ખુબ જ ઉંચો છે તેવા તમામ પાસાઓને ધ્યાને લઈને રીઝર્વેશનો સુચવવામાં આવેલ તે ઉપરાંત સુડા અને સુરત મહાનગરપાલિકાના ઠરાવોની ઉપરવટ જઈને એક પ્રોફેસરના કહેવાથી હાઉસીંગ, બાગ-બગીચા, કોમર્શીયલ, સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ, પાર્કીંગ વગેરે જાહેર સુવિધાઓ માટેના રીઝર્વેશનોનો છેદ ઉડાડી દિધો. અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા શહેરી જમીનોનાં ઓર્ગેનાઈઝડ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વિભાગનું મલાઈદાર ખાતું મુખ્યમંત્રીએ પાસે કે મહત્વના મંત્રીશ્રી પાસે રહે અને તેના દ્વારા મોટા શહેરોના બીલ્ડર લોબી પાસેથી મોટે પાયે સામુહીક ભ્રષ્ટાચાર થઈ શકે તેવી “મોડલ ઓપરેન્ડી” છેલ્લા બે દશકાથી ચાલે છે. જ્યારે શહેરનો ડીપી જાહેર થાય ત્યારે જમીનો ખેડૂતો પાસે હોય છે પરંતુ બીલ્ડરો આ જમીનોના માલીકો બની જાય ત્યારે આવી જમીનોમાં રીઝર્વેશનોમાં ફેરફારો કરીને અબજો રૂપિયાના ખેલ પડાય છે. સદરહુ જમીન પૈકી કેટલીક જમીન સને ૧૯૮૫ની ડી.પી.માં પણ હતી. ૪૫ વર્ષ પછી જમીનોના માલીક ખેડૂતોને બદલે બીલ્ડરો બની ગયા અને બીલ્ડરોને જ સીધો ફાયદો કરાવવા માટે મુખ્યમંત્રીએ શહેર વિકાસ વિભાગની દરખાસ્તની વિરૂદ્ધમાં આ રીઝર્વેશનો હટાવવાનો નિર્ણય પ્રજાના હિતમાં નહીં પરંતુ બીલ્ડરોને લાભ કરવાનો અને વ્યક્તિગત સ્વાર્થ સાધવાનો હતો.
અર્જુન મોઢવાડિયાએ ભારતિય જનતા પાર્ટીને સવાલ કરતાં જણાવ્યું કે રૂ.૨૭ હજાર કરોડ કરતાં વધારાનો ફાયદો જે બિલ્ડરોને કરાવી અપાયો છે તે પૈકી કેટલા “કમલમ્”માં જમા થયા ? કેટલા કોના ખિસ્સામાં ગયા ? અને કેટલા નાણા કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવામાં વપરાયા ? તેનો અને આ સમગ્ર કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજના અધ્યક્ષપદવાળા પંચ માફરત તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની પણ અર્જુન મોઢવાડિયાએ માંગણી કરી હતી.