
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધી
વડોદરા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે, પાણીની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે. ઉનાળાની શરૂઆત થતા જ ગુજરાતના તમામ ડેમો ખાલી થઇ જાય છે, પરંતુ ગુજરાતની ભાજપ સરકાર ઉંઘતી રહે છે.ગુજરાતમાં લાંબા સમયથી પાણીની સમસ્યા છે, જામનગર હોય, ગારિયાધાર, રાજકોટ, વડોદરા પાલનપુર, બનાસકાંઠા હોય કે ગુજરાતનો અન્ય કોઈ પણ વિસ્તાર, દરેક વ્યક્તિ પાણી માટે તરફડીયા મારે છે. ગામડાઓમાં સિંચાઈ માટે પાણી નથી, શહેરોમાં પીવાનું પાણી નથી અને ભાજપ સરકાર દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. લોકો પાણી માટે તરસ્યા હોય ત્યારે આવા અમૃત ઉત્સવનુ શું કરવુ ? ગુજરાતની જનતાને અમૃત મહોત્સવ નથી જોઈતો, ગુજરાતના લોકોને પાણી જોઈએ છે.
નર્મદા ડેમ બન્યો ત્યારે 1845000 લોકોને સિંચાઈ અને પીવાનું પાણી ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ તેઓ નર્મદા ડેમમાંથી પાણી આપતા નથી. ગુજરાતમાં નાના-મોટા 250 ડેમ છે, પરંતુ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતની જનતાને પાણી નથી આપતી. ગુજરાતની ભાજપ સરકાર પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતની ભાજપ સરકારને ખબર નથી કે વરસાદ પડે ત્યારે વરસાદના પાણીનું દરેક ટીપું કેટલું મહત્વનું છે, તો વરસાદનું દરેક ટીપું મૂલ્યવાન છે તો તેનો સંગ્રહ કરવો જોઈએ .
કલ્પસર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તે અંગે ઘણી વખત વાત કરવામાં આવી હતી પરંતુ તે હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. હવે જો કલ્પસર પ્રોજેક્ટ શરૂ થાય તો ગામડાઓમાં પાણી પહોંચી શકે. પરંતુ ભાજપ સરકાર અમૃત મહોત્સવ ઉજવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે સાબિત કર્યું છે કે તેમણે આખા દિલ્હીમાં પીવાનું પાણી સંપૂર્ણપણે મફત કરી દીધું છે. દિલ્હીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નથી.નર્મદાનું પાણી ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી પહોંચી શકે અને અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી શકે તો એ જ પાણી સામાન્ય માણસ સુધી કેમ પહોંચતું નથી ? અરવિંદ કેજરીવાલ 1 મે ના રોજ ભરૂચના ચંદેરિયા ગામમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલન અને આદિવાસીઓના હિતોની માહિતી આપવાના છે.