ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
રાજ્યના બાવન લાખ બાળકોને ભોજન માટે અનાજ અને કુકિંગ કોષ્ટની રકમ ચુકવાઈ નથી
અમદાવાદ
સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે હોવાનું તાજેતરના નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ માં આવેલા ચોકાવનારા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે ત્યારે ગરીબ – શ્રમિક – સામાન્ય વર્ગના લાખો બાળકોને હક્કના પોષણક્ષમ ભોજનથી વંચિત રાખવા બીજી બાજુ તેમના મળતીયાઓને સતત તંદુરસ્ત કરવાની ભાજપ સરકારની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૮ માં ૧,૧૦,૯૯૯ બાળકો કુપોષિત, વર્ષ ૨૦૧૯માં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો જ્યારે ૨૭-૨-૨૦૨૦ ના રોજ માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦ જ ગુજરાત સરકારની કુપોષણ સામે લડવા માટે કેટલી ગંભીર છે તે ઉજાગર કરે છે. હવે કોરોના કાળ બાદ આ સંખ્યા કેટલી થશે તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. રાજ્યની ૪૨,૨૦૮ આંગણવાડીમાં સંજીવની દૂધ યોજના પણ લાંબા સમયથી બંધ રહી છે. ગુજરાતના ૧૪ જિલ્લા, ૫૨ (બાવન) તાલુકામાં ૮,૯૫૮ શાળા અને ૭,૬૮,૪૬૫ બાળકો જે યોજનાના લાભાર્થી છે તેવી સરકારની જાહેરાત હકિકતમાં દોઢ વર્ષથી કોરોના મહામારીમાં અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની ‘દૂધ સંજીવની યોજના’ સદંતર બંધ હતી. મોટી-મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકારે આદિવાસી બાળકોના મોંમાથી દૂધ-છીનવી લીધું. કોરોના મહામારીમાં સૌથી જેની વધુ જરૂર છે તે જ યોજના બંધ કરી હતી, આદિવાસી હજારો બાળકોને કોરોના મહામારી સામે લડવામાં ભાજપ સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાત સરકાર સુપ્રિમકોર્ટના આદેશ છતાં ૨૦૧૨ પછી ગરીબી રેખા નીચેના કુટુંબોનો સર્વે કર્યો નથી તેમ છતાં વર્ષ ૨૦૧૨ના આધારે રાજ્યમાં ૩૧,૪૧,૨૩૧ પરિવાર ગરીબી રેખાની નીચે એટલે કે, ગુજરાતમાં ૧ કરોડ ૮૮ લાખ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે. જો વર્ષ ૨૦૨૨ માં ગરીબી રેખા નીચેના કુટુંબોનો સાચો સર્વે કરવામાં આવે તો ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ નાગરિકો એટલે કે ૩ કરોડ ૭૦ લાખ જેટલા નાગરિકો ગરીબી રેખા નીચે જીવન જીવવા મજબુર છે.
સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટની ફટકાર પછી પણ બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ભાજપાની ભ્રષ્ટ સરકારની પોલ ખુલી ગઈ છે. ગુજરાતના બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજન પાંચ મહિનાથી મળ્યુ નથી. વિવિધ સંગઠનોની લાંબી રજુઆત બાદ રાજ્ય સરકારે દેખાવ પુરતુ મધ્યાહન ભોજન શરૂ કરવાના સમારંભ યોજ્યા. રાજ્યના બાવન લાખ બાળકોને ભોજન માટે અનાજ અને કુકિંગ કોષ્ટની રકમ ચુકવાઈ નથી.રાજ્યની ૩૨૪૧૮ સરકારી શાળાના ૫૨,૨૩,૩૨૧ મોટા પાયે ગરીબ – સામાન્ય – શ્રમિક વર્ગના વિદ્યાર્થીઓ પાંચ મહિનાથી મદ્યાહન ભોજનથી વંચિત રહે તે કેટલે અંશે વ્યાજબી? મધ્યાહન ભોજન પ્રતિદિન – વિદ્યાર્થી ધો. ૧ થી ૬ માં ૧૦૦ ગ્રામ કુકીંગ કોસ્ટ ૪.૯૭ રૂપિયા, જ્યારે ધો. ૭ થી ૮ માં ૧૫૦ ગ્રામ અને કુકીંગ કોસ્ટ ૭.૪૫ રૂપિયા એટલે કે, ધોરણ ૧ થી ૬ ના ૩૩ લાખ વિદ્યાર્થીઓના ૧૭૮ કરોડ રૂપિયા અને ધોરણ ૭ થી ૮ ના ૧૯ લાખ વિદ્યાર્થીઓના ૧૫૦ કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. શું આ રીતે તંદુરસ્ત બનશે ગુજરાત ? કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતથી શરૂ થયેલી મીડ ડે મીલ યોજનામાં ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને સરકાર શિક્ષણ અને મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. પ્રધાનમંત્રી ૧૮મી એપ્રિલે સરકારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ માત્ર ટેલીવીઝન પૂરતો સીમિત રહ્યો. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ગરીબ – સામાન્ય – શ્રમિકના બાળકોને મધ્યાહન ભોજન મળે છે કે નહીં તેની સમીક્ષા કોણ કરશે ?