અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે આજે કરેલા ટ્વીટમાં એક શ્રમિક મહિલાની તસવીર સાથે ટીપ્પણી કરવામાં આવી છે, જેમાં ડૉ. કાનાબારે લખ્યું છે કે પીઠ પાછળ પોતાના બાળકને બાંધી બળબળતી લૂમા માથે વજન ઊંચકી મજૂરી કરતી સ્ત્રીનું દૃશ્ય તમને હચમચાવી નાખતું ના હોય તો નિત્ય મંદિર, પૂજાપાઠ કે નમાજ બધાનો સરવાળો શૂન્ય છે. જયશ્રી રામના નારા કે હનુમાન ચાલીસાના પાઠ કે મસ્જિદની અઝાનથી આવા લાચાર લોકોનું દર્દ ઓછું ન થાય.
પ્રધાનમંત્રીને ટેગ કરી ટિપ્પણી અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબારને નરેન્દ્ર મોદી ટ્વીટર પર ફોલો કરે છે. કાનાબારે આજે કરેલી ટ્વીટમાં પણ પ્રધાનમંત્રીને ટેગ કર્યા છે. ડૉ.ભરત કાનાબાર અગાઉ પણ ભ્રષ્ટાચારી લોકો સામે પણ ટ્વીટ કરી ચુક્યા છે. રોડ રસ્તા અને ગાબડા મુદ્દે રાજ્યભરમાં ભ્રષ્ટાચારી કટકીબાજ કોન્ટ્રાકટરોને સંબોધી થોડા ટાઈમ પહેલા ટ્વીટ કર્યું હતું.ત્યારબાદ તાજેતરમાં હમણાં ભ્રષ્ટાચારી કેટલાક સરપંચો ઉપર પણ નિશાન સાધ્યું હતું. છેલ્લા કેટલાક દીવસોથી ડૉ. કાનાબાર પક્ષાપક્ષીથી દૂર રહી ટવીટરના માધ્યમથી ખુલ્લીને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.જે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર માટે વિચારવા યોગ્ય છે