આજે શહેરના સે.૨૧માં જુના ફટાકડાં બજાર પાર્કિંગ પ્લોટ ખાતે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટો મંડપ લગાવીને પક્ષી પરબો માટે ૧૦,૩૦૦ જેટલાં માટીના કુંડાનું વિતરણ કર્યુ હતું. આ સાથે તેમણે ધોમધખતા ઉનાળાના તાપને અનુલક્ષીને કુંડા લેવા આવનારાઓને આશરે ૫૦૦ લીટર જેટલી ઠંડી મસાલેદાર છાશ પીવડાવી તૃપ્ત કર્યા હતા. આ વિતરણ સેવાનો સવારે ૧૦ કલાકે પ્રારંભ કરાયો હતો જે સમગ્ર દિવસ ઉપરાંત મોડી સાંજ સુધી ચાલુ રહી હતી અને કુંડા લેવા માટે નગરજનોએ રીતસર ધસારો કર્યો હતો.
શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સેવા કાર્યમાં સંસ્થાના હોદ્દેદારો સહિત આશરે ૧૦થી વધુ સ્વયંસેવકો પણ જાેડાયાં હતા. આ ઉપરાંત શહેરના એક બહુરૂપી કલાકારે હનુમાનજીનો વેશ ધારણ કરીને કુંડા વિતરણ સાથે મુલાકાતીઓનું મનોરંજન પણ કર્યુ હતું જેમણે ખસ કરીને બાળકોમાં ભારે આકર્ષક જમાવ્યું હતું. કુંડા લેવા આવનારા નાગરિકો દ્વારા આ ભગીરથ સેવા કાર્યથી પ્રભાવિત થઇને પણ સંસ્થાના સ્વયંસેવકોની સેવાને બિરદાવવમાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઉનાળાની ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણીની સુવિધા હેતુસર નિઃશુલ્ક પાણીના કુંડા વિતરણની સેવા આપવામાં આવી રહી છે.