સંજય શ્રીવાસ્તવ નિયમ પ્રમાણે ડીજીપી માટે હક્કદાર પરંતુ તેમને કાયમી ડીજીપી બનાવવા કે કાર્યકારી ડીજીપી બનાવવા તેનો નિર્ણય લેવાયો નથી
અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ડૉ શમશેરસિંંગ, વડોદરાના પોલીસ કમિશનર તરીકે જી એસ મલિક, સુરતના પોલીસ કમિશનર તરીકે વિકાસ સહાય અને રાજકોટના પોલીસ કમિશનર પદે અનીલ પ્રથમને મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
અમદાવાદ
ગુજરાત કેડર આઈપીએસ અધિકારીઓની બદલી થયા બાદ હવે ફરી વખત આઈપીએસ અધિકારીઓ સહિત મહત્વની ગણાતી બ્રાન્ચોના અધિકારીઓની બદલીનો દૌર આવી રહ્યો છે, ગુજરાતના હાલના ડીજીપી આશીષ ભાટીયા આ મહિના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતને નવા ડીજીપી આપવા સહિત ચાર મહાનગરોમાં નવા પોલીસ કમિશનર મુકવાની કવાયત ગૃહ વિભાગે પુરી કરી છે, આ ઉપરાંત અનેક મહત્વની બ્રાન્ચના અધિકારીઓની બદલી પણ કરવામાં આવશે, તેવુ અત્યંત વિશ્વનીય સુત્રો પાસેથી જાણકારી મળી છે, ઘણા લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા છે સંભવતઃ આશીષ ભાટીયાની નિવૃત્તીના કલાકો પહેલા આ બદલીના આદેશ થશે તેવુ પણ સુત્રોએ ઉમેર્યુ છે, અત્રે ઉલ્લેખનિય છે 2020માં શીવાનંદ ઝા ડીજીપી તરીકે નિવૃત્ત થયા ત્યારે સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી થઈ હતી તે પ્રમાણે આ વખતે પણ બદલીનો બીજો તબ્બકો આવશે ખાસ કરી ગુજરાત વિધાનસભાની ચુંટણીનું આ વર્ષ હોવાને કારણે ચુંટણીને ધ્યાનમાં રાખીને પણ કેટલીક બદલીઓ કરવામાં આવશે.ગૃહ વિભાગના સુત્રોની જાણકારી પ્રમાણે આશીષ ભાટીયાની નિવૃત્તી પછી સૌથી સિનિયર આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ છે જેના કારણે નિયમ પ્રમાણે તેઓ ડીજીપી માટે હક્કદાર છે, ગૃહ વિભાગની કવાયત અને તેમને મળેલી સુચના પ્રમાણે નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવને જ મુકવાનો નિર્ણય લેવાઈ ગયો છે જો કે તેમને કાયમી ડીજીપી બનાવવા કે કાર્યકારી ડીજીપી બનાવવા તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી કારણે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જો તેમને કાયમી ડીજીપી બનાવવામાં આવે તો તેમને બે વર્ષ સુધી ડીજીપી રાખવા પડે અને તેમની નિવૃત્તીનો સમય પણ વધારી દેવો પડે તેવો એક ટેકનીકલ મુદ્દો પણ ઉપસ્થિત થાય છે.
સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનાવવામાં આવે તેની સાથે અમદાવાદ પોલીસ કમિશનરનું પદ પણ ખાલી થાય છે આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનરનું પદ પણ ઘણા મહિનાથી ખાલી છે, તેના કારણે ચારે મહાનગરોમાં નવા પોલીસ કમિશનર મુકવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હાલમાં તૈયાર થયેલી યાદીમાં છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય નહીં તો અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ડૉ શમશેરસિંંગ, વડોદરાના પોલીસ કમિશનર તરીકે જી એસ મલિક, સુરતના પોલીસ કમિશનર તરીકે વિકાસ સહાય અને રાજકોટના પોલીસ કમિશનર પદે અનીલ પ્રથમને મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અનીલ પ્રથમ ઘણા વર્ષોથી અનેક બઢતીઓ સાથે ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે પણ હવે તેમને ફિલ્ડમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલના સુરતના પોલીસ કમિશનર અજય તોમરને ગુજરાત ઈન્ટેલીઝન્સ વીંગના વડા તરીકે અને હાલમાં આઈબીના વડા તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગહેલોતને સીઆઈડી ક્રાઈમના વડા તરીકે મુકવામાં આવશે, અનુપમસિંહ ગહેલોત પાસે હાલમાં એસીબીનો પણ વધારોનો હવાલો છે, આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરની મહત્વની ગણાતી જગ્યા ઉપર અમીત વિશ્વકર્માને ફરી મુકવામાં આવશે, ગુજરાતની વિવિધ રેંજમાં આઈજીપી જગ્યા ઉપર ઉપર પણ મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે હાલમાં ડીએસપીની બદલીઓ થઈ ચુકી છે આમ છતાં તાજેતરમાં જ મુકાયેલા ડીએસપીમાં કેટલાંક ફેરફાર કરવાની વિચારણા છે એક અંદાજ પ્રમાણે છ જેટલા ડીએસપી કક્ષાના અધિકારી ફરી બદલી કરવામાં આવશે.
ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની પણ આ બદલીમાં આ યાદીમાં સામેલ કરી દેવામાં આવશે ઘણા અધિકારીઓએ તેમનો કાર્યકાળ પુરો કર્યો છે જયારે ઘણા અધિકારીઓને ચુંટણીના અનુલક્ષમાં મુકવા જરૂરી છે., અનેક અધિકારીઓ હાલમાં જયા ફરજ બજાવે છે તે તેમનું વતન હોવાને કારણે ચુંટણી પંચના નિયમ પ્રમાણે તેમની બદલી વતનના કારણે અન્યત્ર થશે.