શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય
અમદાવાદ
માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ એપ્રિલ-૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કુલ ૭૨.૦૨ ટકા પરિણામ જાહેર થયું છે. આ પૈકી વિદ્યાર્થિનીઓનું ૭૨.૦૫ ટકા જયારે વિદ્યાર્થીઓનું ૭૨ ટકા પરિણામ આવ્યું છે. આ પ્રસંગે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉતિર્ણ થનાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું.
મંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરતાં હોય છે. આ સર્વેની સંયુક્ત મહેનત-પરીશ્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જીવનની એકમાત્ર અને છેલ્લી પરીક્ષા નથી હતી. તેમાં અસફળ વિદ્યાર્થીઓ પણ જીવનના અન્ય અનેક ક્ષેત્રોમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી હોય એવા અનેક હકારાત્મક ઉદાહરણ આપણી વચ્ચે છે તેમ જણાવી અનઉતિર્ણ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હતાશ થયા વિના ફરીથી મહેનત કરીને સફળતા મેળવવા મંત્રીશ્રીએ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.
મંત્રીએ પરિણામની વિગતો આપતાં કહ્યું હતુ કે, ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની પરીક્ષાઓ લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે A1 ગ્રેડ સાથે ૧૯૬ વિદ્યાર્થીઓ જયારે A2 ગ્રેડ સાથે ૩,૩૦૩ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમનું ૭૨.૫૭ ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું ૭૨.૦૪ ટકા પરિણામ આવ્યું છે.મંત્રી વાઘાણીએ ગુજકેટ-૨૦૨૨ પરીક્ષાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૯૯થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૩૮૫ અને B ગ્રુપમાં ૬૮૪ વિદ્યાર્થીઓ જ્યારે ૯૮થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૭૮૪ અને B ગ્રુપમાં ૧,૩૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે